ભાઇંદર-નાયગાંવ સી-લિંકનું ઝડપથી નિર્માણ કરો : મુખ્ય પ્રધાન

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, જેઓ મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ અૉથોરિટી (એમએમઆરડીએ)ના વડા પણ છે. તેમણે તેના અધિકારીઓને પાંચ કિ.મી. લાંબા ભાઈંદર-નાયગાંવ સી-લિંકનું નિર્માણ ફાસ્ટ ટ્રેક પર મૂકવા જણાવ્યું હતું. એમએમઆરડીએના અધિકારીઓ સાથેની બેઠકમાં જુલાઈ, 2018 સુધીમાં તેની બીડ બહાર પાડવાની સૂચના તેમણે આપી હતી.
એમએમઆરડીએના એક અધિકારીએ જણાવ્યું હતું કે અમે પ્રોજેક્ટનો ફાઈનલ રિપોર્ટ તૈયાર કર્યો છે, પણ વન વિભાગ અને સોલ્ટ પેન કમિશનરની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. અમને મે, 2018 સુધીમાં તમામ મંજૂરીઓ મળી જવાની આશા છે અને 2018ના અંત સુધીમાં અમે નિર્માણ કાર્ય શરૂ કરી શકીશું. એક વખત તે શરૂ થશે એટલે ત્રણ વર્ષમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થઈ જશે.
આ પાંચ કિ.મી.ના સી-લિંકમાં બન્ને બાજુ ત્રણ + ત્રણ લેન હશે અને તે ભાઈંદર-નાયગાંવ રેલવે પુલને સમાંતર હશે તેમ જ છેવટે તે મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે-8ને જોડાઈ જશે.
હાલ લોકોએ આ હાઈવે પર જવા ભાઈંદરથી નાયગાંવ, વસઈ અને વિરાર સુધી જવું પડે છે, પણ આ નવો સી-લિંક બંધાઈ ગયા બાદ પ્રવાસનું અંતર ઘટી જશે અને મોટરિસ્ટોને પણ તેનો  ફાયદો થશે.
સૂચિત સી-લિંકનો અંદાજિત ખર્ચ વર્ષ 2013માં રૂા. 300 કરોડ હતો, પરંતુ સતત થયેલા વિલંબને કારણે હવે વધીને રૂા. 1500 કરોડ થઈ ગયો છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer