સેન્સેક્ષની 37,000 અને નિફ્ટીની 12,000 તરફ દોટ

મેટલ, પીએસયુ બૅન્કોના શૅરોમાં ચાંદી જ ચાંદી  વાણિજ્ય પ્રતિનિધિ તરફથી  મુંબઈ, તા. 23 : આજે શૅરબજારોના બંને મહત્ત્વના સૂચકાંકોએ નવી ઐતિહાસિક ટોચ નોંધાવી હતી. ભારત ફરી વિશ્વનું સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર બનશે, તેમ જ વિકાસદરમાં ચીનને પણ પછાડશે એવા આઈએમએફના અહેવાલને પગલે શૅરબજારોમાં ચોતરફ તેજીનો માહોલ સર્જાયો હતો. વળી, અમેરિકાની સંસદે આઠમી ફેબ્રુઆરી સુધીમાં સરકારને ફંડ ફાળવવા માટે ટૂંકા ગાળાના પગલાંને મંજૂરી આપતાં ત્રણ દિવસના સરકાર બંધનો અંત આવ્યો અને વૈશ્વિક બજારોમાં રોકાણકારોના સેન્ટીમેન્ટ ઊંચકાયાં.  દિવસનાં કામકાજ દરમ્યાન મેટલ અને જાહેર ક્ષેત્રની બેન્ક્સના શેર્સમાં ભારે તેજીને પગલે સેન્સેક્ષ અને નિફ્ટી નવી વિક્રમી ટોચે બંધ નોંધાયા હતા. સેન્સેક્ષ દિવસનાં કામકાજ દરમ્યાન 372.82 પોઈન્ટ વધીને 36,170.83ની નવી ટોચે પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી 126.70 પોઈન્ટ વધીને 11,092.90ની ઐતિહાસિક ટોચે જોવા મળ્યો હતો.   કામકાજને અંતે સેન્સેક્ષ 36,139.98 અને નિફ્ટી 11,083.70એ બંધ થયો હતો. ક્ષેત્રવાર સૂચકાંકોમાં નિફ્ટી મેટલ ઈન્ડેક્ષ 4.07 ટકા અને નિફ્ટી પીએસયુ બેન્ક ઈન્ડેક્ષ 3.97 ટકા વધ્યો હતો. બીએસઈમાં તમામ ક્ષેત્રવાર સૂચકાંકો, જ્યારે એનએસઈમાં નિફ્ટી મીડિયાને બાદ કરતાં   બાકીના તમામ સૂચકાંકો વધીને બંધ નોંધાયા હતા.   જપાનનો નિક્કી 26 વર્ષની ઐતિહાસિક ટોચે  જપાનના સૂચકાંક નિક્કીએ મંગળવારે 26 વર્ષની ઐતિહાસિક ટોંચ નોંધાવી હતી. રિયલ એસ્ટેટ અને પ્રિસિઝન મશીનરીના શેર્સમાં તેજીને પગલે આંક 1.3 ટકા વધીને 24,124.15એ બંધ નોંધાયો હતો.  મેટલ શૅર્સમાં 10 ટકાનો ઉછાળો  શૅરબજારનાં કામકાજ દરમ્યાન બીએસઈ મેટલ ઈન્ડેક્ષ પાંચ ટકા કરતાં વધુ વધ્યો હતો અને જિલ્દાલ સ્ટીલ એન્ડ પાવરના શૅરના ભાવ 10 ટકાથી વધુ વધ્યા હતા. તે પછી વેદાંતા 6.8 ટકા, જેએસડબલ્યુ સ્ટીલ 6.5 ટકા, સેઈલ 5.85 ટકા, હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ 5.49 ટકા અને એનએમડીસી 4.37 ટકા વધ્યા હતા.  ઓએનજીસીને આઈઓસી અને ગેઈલમાંથી   હિસ્સો વેચવા મંજૂરી મળી  ઓએનજીસીને એચપીસીએલના રૂા. 36,915 કરોડનું એક્વિઝિશન માટે ભંડોળ મેળવવા ઈન્ડિયન ઓઈલ અને ગેઈલ ઈન્ડિયામાંથી હિસ્સો વેચવા સરકારની લીલી ઝંડી મળી. આને પગલે ઓએનજીસીનો શૅર 3.60 ટકા વધીને રૂા. 207.15, જ્યારે એચપીસીએલનો શૅર 1.61 ટકા ઘટીને રૂા. 350.70એ બંધ નોંધાયો હતો.  નિફ્ટી 10,000થી 11,000 થતાં આ શૅર્સના ભાવ ડબલ થયા  નિફ્ટીએ જુલાઈ, 2017માં 10,000ની સપાટી પાર કરી, ત્યારથી તાજેતરની તેજી સુધીમાં જે શૅર્સના ભાવ ડબલ થયા, તેમાં સિમેન્ટ ઉદ્યોગનો શૅર રેઇન ઈન્ડસ્ટ્રીઝ 240 ટકા (રૂા. 127.20થી વધીને રૂા. 431.90) તેમજ ડિસ્ટિલરીઝ કંપની રેડિકો ખેતાન 201 ટકા (રૂા. 129.40થી વધીને રૂા. 389.60) વધ્યો હતો. અન્ય શૅર્સમાં બોમ્બે ડાઈંગ (199 ટકા વધારો), પીસી જ્વેલર્સ (131 ટકા), ગુજરાત આલ્કલીઝ (126 ટકા), કોલ્ટે પાટીલ (122 ટકા), જય કોર્પ (121 ટકા), વાક્રંગી ગ્રુપ (116 ટકા), ડેલ્ટા કોર્પ (108 ટકા), વીઆઈપી ઈન્ડસ્ટ્રીઝ (106 ટકા) અને આઈએફબી ઈન્ડસ્ટ્રીઝ (100 ટકા) સામેલ છે.  આ ઉપરાંત, જિન્દાલ સ્ટીલ, ટીવી ટુડે, બોમ્બે બર્મા, સ્ટર્લાઇટ ટેક, ડીસીએમ શ્રીરામ, સ્વાન એનર્જી અને દિવિસ લેબ્સ 60 ટકાથી 90 ટકા વધ્યા છે.  ત્રિમાસિક પરિણામોની શૅરના ભાવ પર અસર   સિમ્ફનીનો ત્રીજા ત્રિમાસિક ગાળાનો નફો પાછલા વર્ષના રૂા. 54.93 કરોડથી વધીને રૂા. 66.31 કરોડ થયો છે અને કામકાજ દ્વારા પ્રાપ્ત આવક રૂા. 180 કરોડથી વધીને રૂા. 218 કરોડ થઈ છે. સારાં પરિણામોને પગલે સિમ્ફનીનો શૅર 0.08 ટકા વધીને રૂા. 1988 થયો હતો. કંપનીએ નાણાં વર્ષ 2017-18 માટે શૅરની રૂા. બે ફેસ વેલ્યુ સામે 50 ટકા એટલે કે રૂા. એક પ્રતિશૅર જેટલું ત્રીજું ઈન્ટરિમ ડિવિડંડ જાહેર કર્યું છે, જે 20મી ફેબ્રુઆરીએ વહેંચાશે. જોકે, શૅરનો બંધ ભાવ બે ટકા ઘટીને રૂા. 1945 નોંધાયો હતો.  હેસર બાયોસાયન્સીઝના શૅર્સ ઈન્ટ્રાડે દરમ્યાન 7.10 ટકા વધીને રૂા. 1,737.90 નોંધાયા હતા. કંપનીનો ત્રીજા ત્રિમાસિક ગાળાનો નફો પાછલા વર્ષના સમાન ગાળાની સરખામણીએ રૂા. 5.82 કરોડથી વધીને રૂા. 6.5 કરોડ થયો છે. શૅરનો બંધ ભાવ રૂા. 1,686.95 હતો.   ઈક્વિટી શૅર્સના રાઈટ્સ ઈસ્યુની રેકર્ડ ડેટ પહેલી ફેબ્રુઆરી જાહેર કરવાને પગલે તાતા સ્ટીલનો શૅર 4 ટકા વધ્યો હતો. જ્યારે રાલિસ ઈન્ડિયાનો ચોખ્ખો નફો 24 ટકા ઘટયો હોવાને પગલે કંપનીના શૅરનો ભાવ 7 ટકા તૂટયો હતો.   બે મોટા બ્લોક ડીલ્સને પગલે હેથવે કેબલના શૅર્સ 7.5 ટકા વધ્યા હતા. રૂા. 871 કરોડનો નવો ઓર્ડર મળતાં કલ્પતરુ પાવરના શૅરનો ભાવ ઈન્ટ્રા ડે દરમ્યાન 10 ટકા વધ્યો હતો. વિશાળ બ્લોક ડીલ બાદ ઝી એન્ટરટેઇન્મેન્ટનો શૅર 2.53 ટકા ઘટયો હતો.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer