કલીનસ્વીપથી બચવા ટીમ ઇન્ડિયા મેદાને પડશે

જોહાનિસબર્ગ તા.23: દ. આફ્રિકા વિરૂધ્ધ ટેસ્ટ શ્રેણી ગુમાવી ચૂકનાર ટીમ ઇન્ડિયા સામે હવે પોતાની પ્રતિષ્ઠિતા બચાવવાનો પડકાર છે. શ્રેણીની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ આવતીકાલ બુધવારથી અહીંના વોંડરર્સ મેદાન પર શરૂ થઇ રહી છે. આ મેચમાં વિરાટ કોહલીના સુકાનીપદ હેઠળની ભારતીય ટીમનું એકમાત્ર લક્ષ્ય હશે હરહાલમાં કલીનસ્વીપથી બચવું. કેપટાઉનમાં 72 રને અને સેન્ચૂરિયનમાં 13પ રને મળેલી હાર બાદ ભારત પર કલીનસ્વીપનો ખતરો તોળાઇ રહયો છે. આ શ્રેણીની હારથી કોહલીસેનાનો 201પથી ચાલ્યો આવતો સતત 9 સિરીઝ જીતનો સિલસિલો પણ તૂટી ગયો છે. આવતીકાલથી શરૂ થતાં આખરી ટેસ્ટની પ્લેઇંગ ઇલેવનમાં ભારત કેટલાક ફેરફાર કરી શકે છે. રહાણેની વાપસી નિશ્ચિત મનાઇ રહી છે. જયારે ભુવનેશ્વર અને રવિન્દ્રને તક મળી શકે છે.

ભારતીય ટીમ જો 0-3થી પણ હારશે તોય તેનો નંબર વનનો તાજ ગુમાવશે નહીં. કોચ અને કેપ્ટન શાત્રી-કોહલી પહેલા બે ટેસ્ટમાં ખેલાડીઓની પસંદગી પર ટીકાઓથી ઘેરાયેલા છે. હવે ત્રીજા ટેસ્ટમાં ફરી ભુવનેશ્વરને ઉતારવાનો નિર્ણય લીધાના રિપોર્ટ છે. પહેલા બે ટેસ્ટમાં રમનાર જસપ્રિત બુમરાહને લગભગ બહાર બેસવું પડશે. એ જ રીતે રોહિત શર્માના સ્થાને અંજિકયા રહાણેને તક મળવી નિશ્ચિત જેવી છે. વિરાટ કોહલી જયારથી સુકાની બન્યો છે ત્યારથી તેણે કયારેય સતત બે ટેસ્ટમાં એકસમાન ઇલેવન મેદાન પર ઉતારી નથી. આ ક્રમ 34 ટેસ્ટથી ચાલ્યો આવે છે. આથી ત્રીજા મેચમાં પણ બદલાવ તો જોવા મળશે જ. એવા પણ રિપોર્ટ છે કે હાર્દિક પંડયાના સ્થાને રવિન્દ્ર જાડેજાને ઉતારવામાં આવશે.

બીજી તરફ દક્ષિણ આફ્રિકા કોઇ દુવિધામાં નથી. તેમનું એકમાત્ર લક્ષ્ય ભારતને સતત ત્રીજા મેચમાં હાર આપીને વ્હાઇટવોશ કરવા પર છે. સ્ટેનના સ્થાને આવેલા નવોદિત ઝડપી બોલર લુંગી એડિંગીએ તેના પદાપર્ણ ટેસ્ટમાં કમાલનું પ્રદર્શન કરીને આફ્રિકાની જીત આસાન કરી હતી. વોંડરર્સની વિકેટ પર વધુ ઘાસ જોવા મળશે. આથી આફ્રિકા તેની પેસબેટરીના સહારે કોહલીની ટીમને વધુ એક હાર આપી શકે છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer