રાજકીય પક્ષોને 2000થી વધુ રોકડ ન ચૂકવો

આવકવેરા તંત્રની જાહેર સૂચના : બૉન્ડ પછીનો નિયમ : ભંગ કરનારને દંડ થશે
નવી દિલ્હી, તા. 23 :  રાજકીય પક્ષોને રૂા. 2000થી વધુની રકમનું દાન આપવા સહિતના ગેરકાયદે રોકડ વ્યવહારો કરવા સામે આજે આવકવેરા તંત્રએ લોકોને ચેતવણી આપી હતી.
ચૂંટણી ભંડોળને સ્વચ્છ કરવાના પ્રયાસમાં સરકારે આ વર્ષની શરૂઆતમાં `ઇલેકટ્રોરલ બોન્ડઝ' ચૂંટણી બોન્ડને મંજૂર કર્યું હતું. જે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ચોક્કસ શાખાઓમાંથી ખરીદી શકાશે અને રાજકીય પક્ષોને દાન આપવામાં ઉપયોગ કરી શકાશે.
યોજના મુજબ કોઇપણ વ્યક્તિએ રાજકીય પક્ષો સાથે રૂા. 2000થી વધુનો રોકડ દાનનો વ્યવહાર કરવો ન જોઇએ.
એક બીજી દૈનિકમાં પ્રસિદ્ધ કરવામાં આવેલી જાહેર ખબર મુજબ કરવેરા તંત્રએ જણાવ્યું હતું કે, કોઇ વ્યક્તિએ નોંધાવેલા ટ્રસ્ટ કે રાજકીય પક્ષને રૂા. 2000 કે તેથી વધુની રોકડ દાન આપવી ન જોઇએ. આ સંબંધે કરવેરા ખાતા દ્વારા જારી કરવામાં આવેલી આ પહેલી જાહેર નોંધ છે.
એવું સમજાય છે કે, સરકારે ઇલેકટ્રોરલ બોન્ડઝ યોજનાને અધિકૃત કર્યા બાદ આઇટી તંત્રએ જાહેર સૂચના બહાર પાડીને આ કલમનો ઉમેરો કર્યો હોય. તંત્રએ વધુમાં ઉમેર્યું હતું કે, દરેકે ધંધાકીય કે વ્યવસાયિક ખર્ચ પેટે રૂા. 10,000 કે તેથી વધુની રકમ ચૂકવવી ન જોઇએ.
જાહેર સૂચનામાં ઉમેરવામાં આવ્યું હતું કે, આ પ્રકારના વ્યવહારોથી દંડ પણ ચૂકવવો પડી શકે છે. જાહેરાતમાં એવું મથાળું મારવામાં આવ્યું હતું કે, `ગો કેશલેસ ગો ગ્રીન.'

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer