દુષ્કર્મ પીડિતાએ ન્યાય માટે મોદી, સીએમ યોગીને લોહીથી પત્ર લખ્યો

ઉત્તર પ્રદેશ તંત્રમાં ખળભળાટ : પોલીસે પગલાં નહીં લીધાનો આક્ષેપ
રાયબરેલી (ઉત્તરપ્રદેશ), તા.23 (પીટીઆઈ) :  પોતાના માટે ન્યાય મેળવવાની ઈચ્છા ધરાવતી એક દુષ્કર્મ પીડિતાએ કથિત રીતે પોતાના લોહીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને તેની હાલત માટે જવાબદાર શખ્સો સામે પગલાં ભરવાની માંગ કરી છે. પીડિતાના આ પગલાંથી તંત્રમાં ખળભળાટ મચ્યો છે.
ગત વીસમી જાન્યુઆરીએ લખેલા પત્રમાં આ યુવતીએ જણાવ્યું હતું કે દુષ્કર્મ કરનારાઓની રાજકીય વગને કારણે પોલીસ આરોપીઓ સામે કોઈ પગલાં ભરી રહી નથી. તેઓ (આરોપીઓ) મારા પર કેસ પાછો ખેંચી લેવા દબાણ કરી રહ્યા છે. મને ન્યાય અપાવો અન્યથા હું આપઘાત કરી લઈશ.
જ્યારે સંપર્ક સધાયો ત્યારે એસીપી શશી શેખર સિંઘે કહ્યું કે પીડિતાના પિતાની ફરિયાદના આધારે 24 માર્ચ 217ના દિવ્ય પાંડે અને અંકિત વર્મા સામે બળાત્કારના આરોપો સાથે એફઆઈઆર નોંધવામાં આવી હતી.
પીડિતાના પિતાએ આરોપ લગાવ્યો હતો કે તેની એન્જિનિયર પુત્રી પર દુષ્કર્મ કરનારા શખ્સો તેને ત્યારથી બ્લેકમેઈલ કરી રહ્યા હતા.
ઓક્ટોબર 2017માં નવી એફઆઈઆર નોંધાવવામાં આવી હતી જેમાં અજાણ્યા શખ્સો સામે પીડિતાની બનાવટી ફેસબૂક આઈડી બનાવી તે એકાઉન્ટમાં અભદ્ર ફોટા મૂકવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer