ઉદ્ધવ મહારાષ્ટ્રની સત્તા મેળવવા અને કમસેકમ ભાજપને કનિષ્ઠ ભાગીદાર બનાવવા માગે છે

લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકલા લડવાની જાહેરાત ગંભીર છે
કેતન જાની તરફથી
મુંબઈ, તા. 23 : લોકસભા અને વિધાનસભાની આગામી ચૂંટણી એકલે હાથે લડવાની જાહેરાત કરીને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ સાથેની યુતિનો મૃત્યુઘંટ વગાડયો છે. લોકસભાની ચૂંટણી આડે હજી 15 માસ બાકી છે. આમ છતાં શિવસેનાએ કરેલી જાહેરાત નજર અંદાજ કરવા જેવી નથી. અણધાર્યા કે અકલ્પ્ય રાજકીય સંજોગોમાં જ તેમાં ફેરફાર થશે. ઉદ્ધવે ચૂંટણી એકલે હાથે લડવાનો સંદેશ કાર્યકરોને આપી દીધો છે.
ભાજપ અને શિવસેના હિન્દુત્વની વિચારધારાને વરેલા પક્ષો હોવા છતાં તેઓના આચાર (આચરણ) અલગ છે. સપ્ટેમ્બર, 2014માં વિધાનસભાની બેઠકોના મુદ્દે મતભેદોને કારણે યુતિ અલગ લડવાની જાહેરાત અને પછી મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાનપદે ભાજપના ફડણવીસની વરણીને લીધે ઉદ્ધવની મુખ્ય પ્રધાન બનવાની મહત્ત્વાકાંક્ષા લોહીલુહાણ થઈ હતી. ત્યારથી ઉદ્ધવ ભાજપથી નારાજ છે. ત્યાર પછી મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાએ સાથે રહેવું પડયું એ બંને પક્ષો માટે રાજકીય મજબૂરી છે. ફડણવીસ ભાજપની સરકારની સ્થિરતા માટે અને ઉદ્ધવ પક્ષના ભાગલા પડતા નિવારવા માટે એકમેકની સાથે સુમેળ રાખી રહ્યા છે. ઉદ્ધવે અલગ ચૂંટણી લડવાની કરેલી જાહેરાત બિલકુલ અણધારી નથી. ઉદ્ધવ કેન્દ્રની મોદી સરકાર અને મહારાષ્ટ્રની ફડણવીસ સરકારની ત્રણ વર્ષથી ખુલ્લેઆમ ટીકા કરી રહ્યા છે. ઉદ્ધવ દ્વારા થઈ રહેલી સતત ટીકાને કારણે આજે થયેલી જાહેરાત આશ્ચર્યજનક નથી.
શિવસેના પ્રમુખ બાળ ઠાકરેની હિન્દુત્વની પુણ્યાઈના ફળ આજના રાજકારણીઓ માણી રહ્યા છે એવી ઉદ્ધવ ઠાકરેએ આજે કરેલી ટીકામાં બહુ વજૂદ નથી. શિવસેનાના હિન્દુત્વવાદને મહારાષ્ટ્રવાસીઓએ સ્વીકાર્યો ત્યારે `સંઘપરિવાર' તરફથી પણ કહેવામાં આવતું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સાથી સંગઠનોએ હિન્દુત્વવાદનો પ્રચાર-પ્રસાર પાંચથી છ દાયકાઓ સુધી કર્યો હતો. તેના કારણે શિવસેના અને બાળ ઠાકરેને હિન્દુત્વવાદ અને તેની વિચારસરણી લોકોને ગળે ઉતારવાનું સરળ બન્યું હતું અને શિવસેનાને રાજકીય ક્ષેત્રે સફળતા મળી છે.
ઉદ્ધવની નારાજગીનું બીજું કારણ મહારાષ્ટ્રના રાજકારણમાં આક્રમક શૈલીથી પોતાનો ઠસ્સો ઊભો કરનાર શિવસેનાને બદલાયેલા સંજોગોમાં ભાજપના `નાના ભાઈ' કે કનિષ્ઠ ભાગીદાર તરીકેની ભૂમિકા ભજવવાનું સ્વીકાર્ય નથી. તેથી આગામી ચૂંટણી એકલે હાથે લડીને સત્તા હાંસલ કરવા અને કમસેકમ ભાજપના `મોટા ભાઈ'ની ભૂમિકા પાછી હાંસલ કરવા માગે છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer