`પદમાવત'' : મોડી રાતે અમદાવાદમાં હિંસા ફાટી નીકળી

`પદમાવત'' : મોડી રાતે અમદાવાદમાં હિંસા ફાટી નીકળી
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા. 23 : હિન્દી ફિલ્મ `પદ્માવત'ના વિરોધમાં આજે રાત્રે અમદાવાદમાં એક્રોપોલીસ મૉલ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને દસ વાહનોને આગ ચાંપવામાં આવી હતી. વધુમાં હિમાલય મૉલની બહાર દુકાનોને `રાજપૂત સેના'ના કાર્યકરોએ આગ ચાંપી હતી. તેના કારણે હિમાલય મૉલમાં આગ પ્રસરવાનો ભય છે. હિમાલય મૉલની બહાર `રાજપૂત સેના'ના 100 કાર્યકરો એકઠા થયા હતા. અમદાવાદમાં વન મૉલની બહાર પણ આગ ચાંપવાની ઘટના બની હતી. પોલીસે તોફાનીઓને વિખેરવા હવામાં બે રાઉન્ડ ગોળીબાર કર્યો હતો.
ઇસ્કોન બ્રિજથી ફિલ્મ પદ્માવતના વિરોધમાં શરૂ થયેલી કેન્ડલ માર્ચ ગણતરીની મિનિટોમાં જ હિંસામાં પરિવર્તિત થઇ ગઇ હતી. કરણી સેનાના મોટી સંખ્યામાં આવેલા કાર્યકરો જેમાં મહિલાઓ પણ સામેલ હતી, તેઓએ એસજી હાઇવે પર આવેલા પીવીઆર સિનેમાઘરને ટાર્ગેટ કર્યા હતો અને પથ્થરમારો પણ કર્યો હતો.  જેમાં ઉગ્ર વિરોધ અને હોબાળાની સાથે ઇસ્કોન બ્રિજની સામે આવેલા મોટા ભાગના શો રૂમમાં હલ્લાબોલ કર્યો હતો.  તો તોફાની  ટોળાએ અમુક શો રૂમમાં નુકસાન પણ પહોંચાડયું હતું. આ ઉપરાંત ડ્રાઇવ ઇન રોડ પર આવેલા હિમાલયા મોલમાં બિગ સિનેમામાં પણ તોડફોડ કરી અને પાર્કિગમાં આવેલાં કેટલાંક વાહનોને આગચંપી પણ કરી હતી. આ આગને કાબૂમાં લેવા માટે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યું હતું. થોડા સમય માટે પરિસ્થિતિ એટલી તંગ બની ગઇ હતી કે, પોલીસ માટે પણ પરિસ્થિતિને કાબૂ કરવી પડકારજનક બની ગઇ હતી. સિનેમાઘરમાંથી  પ્રેક્ષકોને બહાર કાઢી શો બંધ કરવાની ફરજ પડી હતી અને આખો મોલ બંધ કરાવવામાં આવ્યો હતો.
દરમિયાન મોટી સંખ્યામાં આવેલા રાજપૂત સમાજના લોકોએ ઇસ્કોન બ્રિજ નીચેનો ટ્રાફિક  જામ કરી નાખ્યો હતો ત્યાં સુધી કે ત્યાં ચાલતી બીઆરટીએસ બસોને પણ અટકાવી દીધી હતી અને પેસેન્જરને નીચે ઉતારી દીધા હતા. ગણતરીની સંખ્યામાં હાજર પોલીસ જવાનો આ પરિસ્થિતિને કાબૂમાં કરી શકે તેવી પરિસ્થિતિમાં ન હતા. એસજી હાઇવે પર આવેલા પીવીઆર થિયેટર્સ અને મોલ પર ટોળાએ એટલી હદે હોબાળો કર્યો કે ત્યાં હાજર લોકોમાં પણ થોડા સમય માટે ગભરાટનો માહોલ પ્રસરી ગયો હતો.  ત્યારબાદ કોઇ સામાન્ય માણસના સ્કૂટરને સળગાવીને પોતાનો રોષ પ્રગટ કર્યો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer