ડૉલરની તેજીએ વિરામ લેતાં સોનું વધ્યું

ડૉલરની તેજીએ વિરામ લેતાં સોનું વધ્યું
બુધવારે જાહેર થનારા અમેરિકાના ફુગાવાના આંકડાઓ ઉપર નજર
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ.તા. 12 : ડૉલરમાં ગયા અઠવાડિયાની ધૂંઆધાર તેજીએ વિરામ લેતા સોનામાં સાધારણ સુધારો હતો. જોકે અમેરિકાના ફુગાવાના આંકડાઓ ચાલુ સપ્તાહમાં જાહેર થવાના હોવાથી સુધારાની ગતિ ઘણી જ મર્યાદિત હતી. ન્યૂ યોર્ક સોનું 1321 ડૉલર હતું. જ્યારે ચાંદી 16.42 ડૉલરના સ્તરે હતી. 
અમેરિકામાં ફુગાવો વધતો જણાય તો ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં અપેક્ષા કરતાં વહેલો અને વધારે સંખ્યામાં વધારો કરવામાં આવે એવી શક્યતા છે. જાન્યુઆરીના ફુગાવાના આંકડાઓ બુધવારે જાહેર થવાના છે. એ પછી 20 અને 21 માર્ચ એમ બે દિવસ માટે ફેડરલ રિઝર્વની બેઠક મળવાની છે. જાન્યુઆરી માસમાં રોજગારી વધી છે અને મજૂરોનાં વેતન પણ વધ્યા છે એટલે લેબર માર્કેટ ઘણી સુધારા ઉપર હોવાનું દેખાય છે. એ જોતાં જાન્યુઆરીમાં ફુગાવો પણ વધ્યો હોવો જોઇએ એવું બજાર માની રહી છે. વિશ્લેષકો કહે છે, અમેરિકાનો આર્થિક વિકાસ દેખાય છે તેના કરતાં વધારે સારો છે જે ફુગાવાને બળ આપશે. પરિણામે ડૉલર વધશે અને સોનું તૂટવાની શક્યતા છે.
ફંડો અને મની મેનેજરો દ્વારા કોમેક્સ ગોલ્ડમાં લાંબા ગાળાની પોઝિશનો ઘટાડી નાંખી છે. આઠ અઠવાડિયાથી આ પોઝિશનોમાં વધારો થઇ રહ્યો હતો. પહેલી વખત ગયા અઠવાડિયે તે ઘટતી જોવા મળી છે. ચાર્ટ પ્રમાણે સોનામાં 1345ની સપાટી ન વટાવાય ત્યાં સુધી તેજી નથી અને 1300 ન તોડે ત્યાં સુધી ફરી 1275 ડૉલરનો ભાવ જોવા મળશે નહીં. રાજકોટમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામદીઠ રૂા. 50ના સુધારા સાથે રૂા. 31,150 હતો. મુંબઇમાં રૂા. 95ના સુધારામાં રૂા. 30,225 હતુ. રાજકોટમાં  ચાંદી રૂા. 200 સુધરી રૂા. 38,600 અને મુંબઇમાં પ્રતિ કિલો રૂા. 37,925ના સ્તરે સ્થિર હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer