બૅન્ક અૉફ ઈન્ડિયાની ત્રિમાસિક ખોટ રૂા. 2341 કરોડ : નેટ એનપીએ 53 ટકા વધી

બૅન્ક અૉફ ઈન્ડિયાની ત્રિમાસિક ખોટ રૂા. 2341 કરોડ : નેટ એનપીએ 53 ટકા વધી
મુંબઈ, તા.12 : ડિસેમ્બર અંતના ત્રિમાસિક ગાળામાં જાહેર ક્ષેત્રની બૅન્ક અૉફ ઇન્ડિયાની ચોખ્ખી ખોટ રૂા.2341.20 કરોડની હતી. ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં બૅન્કનો રૂા.107.72 કરોડનો ચોખ્ખો નફો હતો. સૂચિત ત્રિમાસિક ગાળામાં વ્યાજની ચોખ્ખી આવક વાર્ષિક ધોરણે 18.4 ટકા ઘટીને રૂા.2501 કરોડની થઈ છે. ચોખ્ખી નોન-પરર્ફોમિંગ એસેટ (એનપીએ) 10.29 ટકાની હતી, જે ગત ત્રિમાસિકમાં 6.47 ટકાની હતી. ગ્રોસ એનપીએ 30 ટકા વધીને રૂા.64,248.6 કરોડ અને નેટ એનપીએ 53 ટકા વધીને રૂા.36,117.2 કરોડની થઈ છે. બૅન્કની ગ્રોસ એનપીએમાં રૂા.14,000 કરોડનો તફાવત અને ચોખ્ખી એનપીએમાં રૂા.9,707 કરોડનો તફાવત હતો જ્યારે જોગવાઈમાં રૂા.4350 કરોડની હતી. સૂચિત ત્રિમાસિક ગાળામાં બૅન્કની જોગવાઈ અને પ્રાસંગિક ખર્ચ રૂા.4,899.7 કરોડનો હતો, જે ગત વર્ષના સમાન ગાળાની સરખામણીમાં 123.8 ટકા અને ગયા ત્રિમાસિકની સરખામણીમાં 150.84 ટકા વધુ છે. બૅન્કની અન્ય આવક (બિન-વ્યાજની આવક) વાર્ષિક ધોરણે 70 ટકા ઘટીને રૂા.1,041.2 કરોડ અને કાર્યકારી નફો 81.5 ટકા ઘટીને રૂા.1,354.3 કરોડનો થયો છે.
 
ગેઈલ ઇન્ડિયાનો ત્રિમાસિક નફો 28.4 ટકા વધીને  રૂા. 12.62 અબજ
ડિસેમ્બર અંતના ત્રિમાસિક ગાળામાં ગેઈલ ઇન્ડિયા લિ.નો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 28.4 ટકા વધીને રૂા.12.62 અબજનો થયો છે. સૂચિત ત્રિમાસિક ગાળામાં કામકાજની આવક રૂા.144.14 અબજની થઈ છે, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂા.123.19 અબજની હતી. ગત વર્ષના સમાન ગાળામાં એક્સાઈઝ ડયૂટીનો સમાવેશ અને સૂચિત ત્રિમાસિક ગાળામાં ગુડ્સ એન્ડ સર્વિસીસ ટૅક્સ બાકાત હોવાથી નાણાકીય પરિણામો તુલનાત્મક નથી. એક્સાઈઝ ડયૂટીને બાદ કરતા કામકાજની આવક 18.81 ટકા વધી છે. કંપનીનો કુલ ખર્ચ રૂા.128.59 અબજનો થયો છે, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂા.111.11 અબજનો હતો. નફાનો ગાળો 14.23 ટકાથી ઘટીને 13.67 ટકાનો થયો છે. નાણાકીય ખર્ચ રૂા.47.89 કરોડનો થયો છે, જે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂા.1.60 અબજનો હતો. કંપનીએ કુલ રૂા.5.96 અબજનો ટૅક્સ ચૂકવ્યો છે, ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂા.5.01 અબજનો ટૅક્સ ચૂકવ્યો હતો. સપ્ટેમ્બર અંતના ત્રિમાસિક ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો રૂા.13.10 અબજ અને કામકાજની આવક રૂા.124.10 અબજની હતી. કંપનીના બોર્ડે પ્રતિ શૅરમાં એક બોનસ શૅરની જાહેરાત કરી છે. એનએસઈમાં શૅર 0.6 ટકા વધીને રૂા.465 ઉપર બંધ રહ્યો હતો. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer