ગુજરાતમાં ઉનાળામાં વીજળીની ભારે ખેંચ વર્તાશે

ગૅસના ઊંચા ભાવને કારણે રાજ્યમાં ગૅસ આધારિત વીજ ઉત્પાદન બંધ
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.12: છેલ્લાં કેટલાંક વર્ષોથી દેશમાં ગુજરાત દ્વારા સરપ્લસ વીજળી હોવાનો દાવો કરાઇને વધારાની વીજળી બીજાં રાજ્યનો વેચી દેવામાં આવે છે. જોકે  આ ઉનાળા દરમિયાન ચિત્ર બદલાઇ જાય તેવી સ્થિતિ ઊભી થઇ છે. 
ગુજરાતમાં આ વખતે ઉનાળા દરમિયાન 16,000 મે.વો.થી પણ વધુ વીજળીની માગ ઊભી થવાની શક્યતા છે જ્યારે ગુજરાતમાં વીજળીનું ઉત્પાદન માત્ર 7273 મે.વો. થવા પામ્યું છે. તેનું મુખ્ય કારણ એ છે કે ગૅસના ઊંચા ભાવ જવાથી રાજ્યમાં ગૅસ આધારિત વીજ ઉત્પાદન થતું હતું તે બંધ કરી દેવાયું છે. એટલું જ નહીં અદાણી અને એસ્સાર જેવા ઉત્પાદકોએ છેલ્લા એક વર્ષથી વીજ ઉત્પાદન બંધ કરી દેતાં તે પુરવઠો મળી શકતો નથી.
રાજ્યના ઊર્જા વિભાગના સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશમાં ઓછો વરસાદ થવાથી હાલ નર્મદામાં પાણી ઓછું પ્રાપ્ત થયું છે. જેની સીધી અસર ખેડૂતો અને  ઉદ્યોગો પર પડનારી છે. ખેડૂતોને મળતી 8 કલાક વીજળીમાં સીધો કાપ આવશે એવી જ રીતે ઉદ્યોગોમાં પણ સ્ટેગરિંગ કરવામાં આવશે. સૂત્રોના કહેવા પ્રમાણે એસ્સાર અને અદાણી દ્વારા પ્રાપ્ત થતી 3000 મે.વો. વીજ ઉત્પાદન બંધ થવાથી હાલ આ વીજળી પણ રાજ્યને મળતી નથી. 
સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, હાલ કોલસાની અછત છે ત્યારે કોલસો મેળવવામાં પણ મુશ્કેલી છે. આ સંજોગોમાં કોલસા આધારિત વીજ મથકોમાં પણ વીજ ઉત્પાદન માટે મુશ્કેલી પડી રહી છે. રાજ્ય સરકારને હાલ જીપેક દ્વારા 3148 મે.વો., આઇપીપીમાંથી 784 મે.વો.વીજળી મળે છે આ ઉપરાંત વિન્ડ અને સોલારમાંથી અનુક્રમે 367 મે.વો. અને 669 મે.વો. વીજળી પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ટોરન્ટ પાવર દ્વારા 894 મે.વો. વીજળી મળી રહી છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer