હવે કોઈ પણ ચૂંટણી નહીં લડવાનો ઉમાભારતીનો નિર્ણય

પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 12 : વિવાદાસ્પદ નિવેદનોને કારણે હંમેશાં સમાચારમાં ચમકતાં કેન્દ્રના પ્રધાન અને ભારતીય જનતા પક્ષના નેતા ઉમાભારતી હવે કોઈ ચૂંટણી નહીં લડે. મધ્યપ્રદેશમાં ઝાંસીથી ચૂંટાયેલાં ઉમા ભારતીએ પોતાના સંસદીય ક્ષેત્રમાં સંવાદદાતાઓ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે હવે તેમની ઉંમર થઈ છે અને સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ હોવાથી તેઓ કોઈ ચૂંટણી નહીં લડે, પરંતુ પક્ષ માટે કાર્ય કરતાં રહેશે.
વાજપેયી અને અડવાણીનાં શાસનકાળ દરમિયાન ભાજપની તત્કાલીન નેતાગીરી સાથે ભારે મતભેદને કારણે ભાજપથી અલગ થઈને ઉમાભારતીએ પોતાનો રાજકીય પક્ષ રચ્યો હતો અને ભાજપના વરિષ્ઠ નેતાઓની આકરી ટીકા કરી હતી. પરંતુ ત્યાર પછી પસ્તાવો વ્યક્ત કર્યા બાદ ભાજપમાં ઘરવાપસી થઈ હતી.
ઉમાભારતી એ જણાવ્યું હતું કે તેઓ બે વખત સાંસદ રહી ચૂક્યાં છે અને પક્ષ માટે ઘણું કામ કર્યું છે. હવે પીઠ અને ઘૂંટણના દુ:ખાવાને કારણે તેમને હરવા ફરવામાં મુશ્કેલી નડે છે. અયોધ્યામાં રામમંદિર વિશે પુછાતાં તેમણે જણાવ્યું હતું કે અદાલતે પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે અને તેથી અરસપરસ સહમતીથી રામમંદિરનું નિર્માણ થવું જોઈએ. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer