સુરતમાં 25 ફેબ્રુઆરીએ બે કાર્યક્રમમાં હાજરી આપવા વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ આવશે

સુરત, તા. 12 : આગામી 25મીએ શહેરનાં આંગણે બે મહાનુભાવો પધારશે. વડા પ્રધાન મોદી શહેરમાં યોજાનારી નાઈટ મેરેથોનને લીલીઝંડી આપશે જ્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં યોજાનાર કૉન્વેકશનમાં ઉપસ્થિત રહેશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દે વીએનએસજીયુનાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે હા ભણી છે. છેલ્લાં ઘણાં સમયથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિવાદો ચાલી રહ્યા છે. વિવાદો વચ્ચે એક સારા સમાચાર કહી શકાય કે દેશનાં રાષ્ટ્રપતિ યુનિવર્સિટીનાં કૉન્વેકશનમાં ઉપસ્થિત રહેશે. યુનિવર્સિટીનાં સત્તાધીશો દ્વારા રાષ્ટ્રપતિને યુનિવર્સિટીમાં લાવવા માટેની મહેનત સફળ હોઈ હોવાનું નજરે પડે છે. 
બીજી તરફ શહેરમાં યોજાનાર નાઈટ મેરેથોનમાં ન્યૂ ઇન્ડિયાનાં કૉન્સેપ્ટ અને બેટી બચાઓ - બેટી પઢાવો અભિયાનને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યું છે. યુવાઓનાં ઉત્સાહમાં વધારો કરવા માટે ખાસ વડા પ્રધાન ઉપસ્થિત રહીને મેરેથોનને લીલીઝંડી આપશે. રન ફોર ન્યૂ ઇન્ડિયા મેરેથોનમાં દિલ્હીનું મુંગફલી બેન્ડ લાઈવ પર્ફોમન્સ આપશે તેમ જ જાણીતાં બૉલીવૂડ સિંગર કૈલાશ ખૈર કાર્યક્રમનો સમા બાંધશે. 
મેરેથોનમાં દેશ-વિદેશનાં સ્પર્ધકો ભાગ લેશે. મેરેથોનનાં પ્રચાર માટે મુંબઈ, ગુડગાવ, અમદાવાદ, વડોદરા, બિલિમોરા, વલસાડ, નવસારીમાં બ્રાન્ડ એમ્બેસેડરની નિમણૂક કરવામાં આવી છે. દોઢ લાખ લોકો મેરેથોનમાં ભાગ લેશે તેવી આશા આયોજકોએ વ્યક્ત કરી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer