માંસાહારનો વિરોધ કરતી રૅલી યોજાઈ `નોન-વેજ ખાનેવાલોં શરમ કરો''ના નારા પોકારાયા

માંસાહારનો વિરોધ કરતી રૅલી યોજાઈ `નોન-વેજ ખાનેવાલોં શરમ કરો''ના નારા પોકારાયા
મુંબઈ, તા. 12 : કાંદિવલીસ્થિત ઠાકુર કૉલોની વિસ્તારમાં ગઈકાલે સેંકડો લોકોએ માંસાહારનો વિરોધ કરતી રૅલી યોજી હતી. પોતાને મેરઠના બાબા જયગુરુદેવ મહારાજના અનુયાયી ગણાવનારા આ લોકોએ `માંસાહાર કરનારા શરમ કરો' એવા સૂત્રોચ્ચાર કરી માંસાહાર કરવો પાપ છે અને તેને લીધે માનવતા નષ્ટ થઈ બધા વિનાશ તરફ જશે એવી માઈક પર ઘોષણા કરાતી હતી.
આ પહેલાં પણ અનેક સ્થળોએ શાકાહારનો પ્રચાર કરવા રૅલી યોજાઈ હોવાનો દાવો આ રૅલીમાં જોડાયેલા લોકોએ કર્યો હતો.
`અમારા સંગઠનમાં મહારાષ્ટ્રના જ 10,000થી વધુ લોકો છે. અમારો હેતુ લોકોને માંસાહારનો તેમ જ મદ્યપાનનો ત્યાગ કરવાનું સમજાવવાનો છે,' એમ રૅલીના પ્રવક્તા સુશીલ સિંહે જણાવ્યું હતું.
`કોઈ પણ જીવને હાનિ પહોંચાડનારાઓનો વિનાશ અટળ છે અને આ જ સત્ય હોઈ પાશ્ચાત્ય જગતના લોકો પણ હવે શાકાહાર તરફ વળી રહ્યા છે,' એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
રૅલી માટે પરવાનગી લેવામાં આવી હોઈ જેવી રૅલી આગળ વધી કે અનેક દુકાનદારોએ ડરને લીધે ઈંડાંના ક્રેટ દુકાનમાં છુપાવી દીધા હતા, જ્યારે રસ્તાની બાજુએ માછલી વેચનારી મહિલાઓ પોબારા ભણી ગઈ હતી, તો બીજી તરફ કોઈ પણ રહેવાસી કે દુકાનદારે રૅલીનો વિરોધ કરવાનું ટાળ્યું હતું. રૅલીના સભ્યોએ જણાવ્યું હતું કે શાકાહારનો પ્રચાર કરવા માટે રૅલીનું આયોજન કરવામાં આવ્યું હોઈ પાકિસ્તાનના લોકો માંસ ખાતા હોવાથી ત્યાં સર્વત્ર પતન થઈ રહ્યું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer