`સ્વચ્છ મુંબઈ'' વિશે બે દિવસનો સેમિનાર અને પ્રદર્શનનું આયોજન

`સ્વચ્છ મુંબઈ'' વિશે બે દિવસનો સેમિનાર અને પ્રદર્શનનું આયોજન
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 12 : મુંબઈમાં ઘન કચરાની સમસ્યા દિવસે દિવસે વધી રહી છે. સરકારી સ્તરે સાર્વજનિક જાગૃતિના પ્રયત્નો પણ થઈ રહ્યા છે પણ તે અપૂરતા છે. તેથી રોટરી ક્લબ અૉફ મુંબઈ ગ્રીન સીટીએ આ સમસ્યાની ગંભીરતાને ધ્યાનમાં લઇ મહારાષ્ટ્ર સોસાયટી વેલ્ફેર અસોસિએશન (એમએસડબ્લ્યુએ), એસ.એન.ડી.ટી યુનિવર્સિટીના એક્સટેન્શન એજ્યુકેશન ઍન્ડ રિસોર્સ મેનેજમેન્ટ વિભાગ અને ભારતીય પર્યાવરણ સંસ્થાના (આઇઈએ) સહયોગથી `સ્વચ્છ મુંબઈ' પર બે દિવસીય ચર્ચાસત્ર અને પ્રદર્શનનું આયોજન એસ.એન.ડી.ટી કૉલેજ, જુહુ ખાતે 16 અને 17મી ફેબ્રુઆરી 2018ના રોજ સવારે 10થી સાંજે છ વાગ્યા સુધી કર્યું છે.
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કાર્યક્રમના મુખ્ય અતિથિ પાલિકાના એડિશનલ કમિશનર વિજય સિંઘલ કરશે. અન્ય અતિથિ તરીકે કેમિકલ ટેક્નૉલૉજી ઇન્સ્ટિટયૂટના વાઇસ ચાન્સેલર જી. ડી. યાદવ તેમ જ રોટરી જિલ્લાના ગવર્નર, રોટેરિયન પ્રફુલ્લ શર્મા ઉપસ્થિત રહેશે. તે સિવાય પાલિકાના અધિકારીઓ, રોટેરિયન્સ્, હાઉસિંગ સોસાયટીઓ, એનજીઓ, હૉસ્પિટલ અને ઉત્પાદકો પણ કાર્યક્રમમાં ભાગ લેશે.
કાર્યક્રમ વિશે માહિતી આપતા એમએસડબ્લ્યુએના અધ્યક્ષ રમેશ પ્રભુએ જણાવ્યું હતું કે ઘન કચરામાંથી મિશ્ર ખાતર, બાયો ગૅસ, ઊર્જા વગેરે ઉત્પન્ન કરવા બાબતે તેમ જ કચરાનું રિસાઈક્લિંગ, હૉસ્પિટલના કચરાનું નિકાલ અને વ્યવસ્થાપન તેમ જ ઈ-કચરા બાબતે માહિતી આપતું પ્રેઝન્ટેશન અને પ્રાયોગિક રીતે આ ટેક્નૉલૉજી બતાવવામાં આવશે. જે હાઉસિંગ સોસાયટીઓએ સફળતાપૂર્વક આ ટેક્નૉલૉજીનો ઉપયોગ કર્યો છે તેમના સ્ટૉલ પણ સેમિનારમાં મૂકવામાં આવશે જેથી નાગરિકોને સોસાયટીઓના અનુભવમાંથી માર્ગદર્શન મળી શકે. આઇઈએના પર્યાવરણ નિષ્ણાત યોગેન પરીખ, રોટરી ક્લબના ડાયરેક્ટર અને પર્યાવરણ તજજ્ઞ ડૉ. મિલિન્દ કુલકર્ણી સેમિનારમાં આ અંગે માર્ગદર્શન આપશે.
હાઉસિંગ સોસાયટીઓ અને `સ્વચ્છ' એનજીઓ માટે સેમિનારનું રજિસ્ટ્રેશન નિ:શુલ્ક છે. સેમિનારમાં ભાગ લેવા ઇચ્છુકો વધુ વિગત માટે  http://https://tinyurl.com/RotarySwachhMumbai  વેબસાઇટ પર સંપર્ક કરી શકે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer