મંત્રાલય કે આત્મહત્યાલય?

મંત્રાલય કે આત્મહત્યાલય?
મંત્રાલયના મકાન ફરતે જાળી બેસાડવાનું કામ શરૂ
મુંબઈ, તા. 12 : છેલ્લા થોડા દિવસોમાં મંત્રાલયમાં આત્મહત્યા કે આત્મહત્યાના પ્રયાસના બનેલા બનાવોથી સર્વત્ર `આ તે મંત્રાલય છે કે આત્મહત્યાલય' એવી ચર્ચાને પગલે મંત્રાલય ફરતે જાળી બેસાડવાનું કામ શરૂ કરાયું છે.
ખબરદારીના ઉપાય તરીકે આ કામ હાલ શરૂ છે. ગયા સપ્તાહે એક શખસે પાંચમા માળેથી કૂદકો મારી આત્મહત્યા કરી હતી. થોડા દિવસ પહેલાં અવિનાશ શેટે નામના 25 વર્ષીય યુવકે પોતે આપેલી કૃષિ અધિકારીની પરીક્ષાનું સરકારે કોઈ પરિણામ જાહેર નહીં કર્યા બાદ કંટાળીને શેટેએ મંત્રાલય બહાર અગ્નિસ્નાન દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
આવા જ એક બનાવમાં 80 વર્ષીય ધર્મા પાટીલ નામના ખેડૂતે વિષપાન દ્વારા મોતને વહાલું કરવા પ્રયાસ કર્યો હતો. ધર્મા પાટીલની જમીનમાં કેરીના 600 વૃક્ષ હતાં, પરંતુ તેમને જમીનની બદલીમાં ફક્ત રૂા. ચાર લાખનું વળતર આપવામાં આવ્યું હતું. તેઓ છેલ્લા ત્રણ મહિનાથી વધુ વળતર માટે પ્રયત્નો કરતા હતા, પરંતુ સંબંધિત અધિકારીઓ તરફથી તેમને યોગ્ય જવાબ મળતા ન હતા.
`આત્મહત્યા અટકાવવા માટે લેવાયેલાં અન્ય પગલાંમાં લોખંડની ગ્રીલ નહીં ધરાવતી બારીઓ બંધ કરવાનો સમાવેશ થાય છે,' એમ એક પીડબ્લ્યુડી અધિકારીએ જણાવ્યું હતું.
ભૂતકાળમાં આ મુદ્દે પીડબ્લ્યુડી, ગૃહ અને સામાન્ય વહીવટી મંત્રાલયે જોઈન્ટ મિટિંગો યોજી હતી, પરંતુ અમુક કારણોસર આ બાબતમાં કોઈ પગલાં હાથ ધરાયાં ન હતાં. જોકે રાઉતની આત્મહત્યાને લીધે વહીવટી તંત્રને તેમ કરવાની ફરજ પડી હોવાનું તેમણે વધુમાં જણાવ્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer