શીતલ મહાજને સાડી પહેરી કર્યું સ્કાય ડાઈવિંગ

શીતલ મહાજને સાડી પહેરી કર્યું સ્કાય ડાઈવિંગ
પુણે, તા. 12 : સ્કાય ડાઈવિંગ જેવી સાહસિક રમતમાં વિશ્વ વિક્રમ કરનાર પદ્મશ્રી શીતલ મહાજને અનોખો વિક્રમ નોંધાવ્યો છે. તેમણે મરાઠી પદ્ધતિની નવ વારની સાડી પહેરી 13,000 ફૂટની ઊંચાઈએથી સ્કાય ડાઈવિંગ કરી અનોખો વિક્રમ કર્યો હોઈ તેમના આ સાહસની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.
શીતલે થાઈલૅન્ડના સ્કાય ડાઈવિંગ સેન્ટરમાં આ પરાક્રમ કર્યું હતું. અત્યાર સુધીમાં શીતલે સ્કાય ડાઈવિંગમાં 17 રાષ્ટ્રીય અને છ વૈશ્વિક વિક્રમો નોંધાવ્યા છે.
તેઓએ આ સાહસ સોમવારે થાઈલૅન્ડના પટાયામાં કર્યું. એડવેન્ચર સ્પોર્ટ્સમાં દુનિયામાં ઓળખ બની ચૂકેલી શીતલ પહેલી ભારતીય છે જેઓએ 8 મીટરથી વધુ લાંબી સાડી પહેરીને છલાંગ લગાવી. મહત્ત્વપૂર્ણ છે કે, પદ્મશ્રીથી સન્માનિત શીતલ જોડિયા બાળકો (9 વર્ષ)ની માતા છે. 14 વર્ષની કારકિર્દીમાં તેઓ નેશનલ અને ઇન્ટરનેશનલ સ્તરે 700થી વધુ ડાઈવ લગાવી 
ચૂક્યાં છે.
વુમન્સ ડે પહેલાં કંઈક અલગ કરવા માગતી હતી : શીતલ
ન્યૂઝ એજન્સી મુજબ છલાંગ બાદ શીતલ (35)એ કહ્યું કે, પટાયાનું હવામાન ઘણું સારું છે, તેઓ પહેલાં પણ બે વાર 13 હજાર ફૂટની ઊંચાઈથી છલાંગ લગાવી ચૂક્યાં છે.
શીતલે કહ્યું કે, ``હું આવતા મહિને ઇન્ટરનેશનલ વુમન્સ ડેથી પહેલાં કંઈક અલગ કરવા માગતી હતી. તેના માટે સ્કાઈડાઈવિંગમાં મહારાષ્ટ્રીયન સાડી પહેરી. પરંતુ તે ખૂબ જ ચેલેજિંગ હતું. ડાઈવમાં પેરાશૂટ ખુલ્યા બાદ તમામ સેફટી ઇક્વિપમેન્ટસની સાથે સાડીને મેનેજ કરવું આસાન નથી.''
``તેના માટે મારે પહેલાંથી ઘણી તૈયારીઓ કરવી પડી, કારણ કે ગલ્ફ અૉફ થાઈલૅન્ડમાં હવા ઘણી ઝડપી હતી. આ સાડી લગભગ 8.25 મીટર લાંબી છે, જે અન્ય ભારતીય સાડીઓથી વધુ છે. દેશમાં તેને પહેરવાની અલગઅલગ પદ્ધતિ છે, પરંતુ મહારાષ્ટ્રીયન સાડી પહેરવી સૌથી મુશ્કેલ છે.'' 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer