સૈન્યનું અપમાન કરતાં નિવેદન બદલ ભાગવત રાજીનામું આપે : કૉંગ્રેસ

આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 12 : જરૂર ઊભી થાય તો દેશની સીમાઓનું રક્ષણ કરવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરોને ત્રણ દિવસમાં તાલીમ આપી શકાય એવું સરસંઘચાલક મોહન ભાગવતે રવિવારે બિહારમાં સંઘના કાર્યકરોને સંબોધતી વખતે નિવેદન કરીને મોદી સરકારને ભીંસમાં મૂકી છે.
જોકે, સંઘે તરત જ ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરીને જણાવ્યું હતું કે, ભાગવતના પ્રવચનની ખોટી રીતે રજૂઆત કરાઈ છે, પરંતુ વધુ વિલંબ થઈ ગયો હતો, કારણ કે એવો સંદેશો પહોંચતો થયો હતો કે ભારતીય સૈન્યનું ભાગવતે અપમાન કર્યું છે અને તે પણ એવા સમયે જ્યારે સૈન્યે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓની સામે મસમોટું અભિયાન હાથ ધર્યું છે. જોકે, વિશ્લેષકોનું એવું પણ માનવું છે કે એક રીતે ભાગવતે વડા પ્રધાન મોદીને ટોણો મારીને પગલાં લેવાનો નક્કર સંદેશ આપ્યો છે.
કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીએ માફીની માગણી કરીને ટ્વીટમાં જણાવ્યું હતું કે આપણા શહીદો અને આપણા સૈન્યનું અપમાન કરવા બદલ શ્રી ભાગવત શરમાવો. રાહુલે એવો આક્ષેપ કર્યો હતો કે ભાગવતનું પ્રવચન દરેક ભારતીયનું અપમાન છે, કારણ કે આપણા રાષ્ટ્ર માટે શહીદ થયેલાઓનું તે અપમાન કરે છે. તે આપણા રાષ્ટ્રધ્વજનું અપમાન છે કારણ કે રાષ્ટ્રધ્વજને સલામી આપનારા દરેક સૈનિકનું પણ તે અપમાન કરે છે.
ભારતીય સૈન્ય કરતાં પોતાના દળને વધુ સશક્ત અને શિસ્તબદ્ધ તરીકે ઓળખાવવા બદલ સરસંઘચાલક ભાગવત પાસેથી માફીની માગણી કરતા કૉંગ્રેસના પ્રવકતા આનંદ શર્માએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સીમાઓનું રક્ષણ કરવા માટે ખાનગી સૈન્ય ઊભાં કરવાની શું વડા પ્રધાન મંજૂરી આપે છે? વડા પ્રધાને ચોખવટ કરવી રહી, કારણ કે સંઘ એ શાસક પક્ષની પિતૃ સંસ્થા છે.
સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ મનમોહન વૈદ્યે જણાવ્યું હતું કે ભાગવતજીએ એમ કહ્યું હતું કે જો એવા સંજોગો ઉભા થાય અને બંધારણ મંજૂરી આપે તો આમ સમાજને સજ્જ કરવા ભારતીય સેનાને છ માસનો સમય જોઈએ, જ્યારે સંઘના સ્વયંસેવકોને તાલીમ આપવામાં માત્ર 3 જ દિવસ જોઈએ,
કારણ કે સંઘમાં મિલિટરી જેવું અનુશાસન છે.
આમાં ભારતીય સેના અને સંઘના સ્વયંસેવકો વચ્ચે કોઈ રીતની તુલના નહોતી કરવામાં આવી, પરંતુ આમસમાજ અને સ્વયંસેવકો વચ્ચે તુલના કરાઈ હતી. બેઉને તાલીમ તો ભારતીય સેનાએ જ આપવાની રહે, એમ વૈદ્યે જણાવ્યું હતું. સંઘ નથી મિલિટરી કે નથી પેરા મિલિટરી, બલકે તે પારિવારિક સંગઠન છે, જ્યાં આર્મી પેઠે શિસ્તનો મહાવરો રહેલો છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer