પાકિસ્તાનને સર્જિકલ સ્ટ્રાઈકનો ભય

નવી દિલ્હી, તા. 12 : જમ્મુ કાશ્મીરના સુંજવાનમાં આવેલા આર્મી કેમ્પ ઉપર આતંકવાદી હુમલા બાદ હવે પાકિસ્તાનને સર્જીકલ સ્ટ્રાઈકનો ભય સતાવી રહ્યો છે. સુંજવાનમાં સેનાના કેમ્પ ઉપર આતંકી હુમલો થતા કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે સુરક્ષાને લઈને મહત્ત્વની બેઠક બોલાવી હતી. પાકિસ્તાનને આશંકા છે કે, ઉરી હુમલા બાદ ભારે કરેલી સર્જીકલ સ્ટ્રાઈક ફરી એક વખત થશે. આ આશંકાને પગલે પાકિસ્તાન દ્વારા ચેતવણી પણ જારી કરી દેવામાં આવી છે. 
સરહદ ઉપર સતત શસ્ત્રવિરામ ભંગ અને આતંકવાદી હુમલામાં ચાલુ વર્ષે 18 જવાનો શહીદ થયા છે. કાશ્મીરમાં સતત આતંકી ગતિવિધિ વધી રહી છે. તેમાં પણ સુંજવાનમાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં આક્રોશ ફેલાયો છે અને આતંકીઓ તેમજ પાકિસ્તાન સામે આકરી કાર્યવાહીની માગ ઉઠી રહી છે. આ સમયે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે આંતરીક સુરક્ષાને લઈને મહત્ત્વની બેઠક બોલાવી છે. ભારતમાં આતંકી હુમલા બાદ શરૂ થયેલી ચહલપહલને જોતા પાકિસ્તાનને સર્જીકલ સ્ટ્રાઈકનો ભય સતાવી રહ્યો છે. સુંજવાન કેમ્પના આતંકી હુમલામાં ભારતે પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદનો હાથ હોવાનું કહેતા પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું છે અને ભારતના તમામ આરોપોને ખારીજ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સર્જીકલ સ્ટ્રાઈકના ભયના કારણે પાકિસ્તાને ભારતને ક્રોસ બોર્ડર એક્શન અંગે ચેતવણી પણ આપી છે. પાકિસ્તાને કહ્યું છે કે, કાશ્મીરમાં ઉત્પીડન અને માનવઅધિકારોના ભંગથી વિશ્વનું ધ્યાન હટાવવા માટે ભારત પાકિસ્તાન ઉપર આરોપો મુકી રહ્યું છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer