ભારતની મહિલા ટીમે દક્ષિણ આફ્રિકાને સાત વિકેટે પછાડયું

ભારતની મહિલા ટીમે દક્ષિણ આફ્રિકાને સાત વિકેટે પછાડયું

શ્રેણીની પ્રથમ ટી20માં મિતાલી રાજે  54 રન ફટકાર્યા : આફ્રિકાની કોલ ટ્રાયોને 7 બૉલમાં 32 રન ઝુડયા

જ્હોનિસબર્ગ, તા. 13 : દક્ષિણ આફ્રિકા સામે પાંચ ટી20ની શ્રેણીના પ્રથમ મેચમાં ભારતની મહિલા ટીમે આફ્રિકા સામે 7 વિકેટે જીત મેળવી છે. દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ દ્વારા ભારત સામે 164 રનનું લક્ષ્યાંક મુકવામાં આવ્યું હતું. જેના જવાબમાં મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમે 18.5 ઓવરમાં 168 રન બનાવીને દક્ષિણ આફ્રિકા ઉપર 1-0થી સરસાઈ મેળવી લીધી છે. ભારત તરફથી કેપ્ટન મિતાલી રાજે 54 રન ફટકાર્યા હતા. 
આ અગાઉ ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગમાં ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમની પહેલી વિકેટ લીઝેલ લીના રૂપે 26 રનના સ્કોરે પડી હતી. ત્યારબાદ ડેન વાને બાજી સંભાળતા 38 રન કર્યા હતા. જો કે તેને અંજુ પાટીલે પેવેલીયનનો રસ્તો બતાવી દીધો હતો. દક્ષિણ આફ્રિકા તરફથી સૌથી મોટી ભાગીદારી નાદીન ને ક્લાર્ક અને ડેન વાન વચ્ચે નોંધાઈ હતી. બીજી તરફ આખરી ઓવરોમાં મેદાનમાં આવેલી કોલ ટ્રાયોને તોફાની બેટિંગનું પ્રદર્શન કરતા માત્ર 7 બોલમાં 32 રન ઝુડી કાઢ્યા હતા અને આફ્રિકાનો સ્કોર ચાર વિકેટ 164 રને પહોંચાડયો હતો. 164 રનના પડકાર સામે કેપ્ટન મિતાલી રાજે 48 બોલમાં 54 રન ફટકાર્યા હતા. બીજી તરફ સ્મૃતિ મંધાનાએ ઓપનિંગમાં આવીને 15 બોલમાં 28 રન કર્યા હતા. ઓપનિંગ જોડી પેવેલિયન પરત ફર્યા બાદ હરમનપ્રિત પહેલા જ બોલે રનઆઉટ થઈ હતી. જો કે જેમીમા રોડ્રિગ અને વેદા કૃષ્ણમુર્તિએ 37-37 રન ફટકારીને ભારતને જીત અપાવી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer