ઍલ્યુમિનિયમના ભાવ વધતાં ભંગારની આયાતમાં ઉછાળો

ઍલ્યુમિનિયમના ભાવ વધતાં ભંગારની આયાતમાં ઉછાળો

મુંબઈ, તા. 13 : એલ્યુમિનિયમ ભંગારની આયાતમાં એપ્રિલ-અૉક્ટોબર 2017 દરમિયાન 11 ટકાનો નોંધપાત્ર વધારો જોવાયો હતો. સ્થાનિક બજારમાં `સેકન્ડરી' એલ્યુમિનિયમ પ્રોડક્ટની માગ વધી છે. રહેઠાણ અને વાહન ક્ષેત્રે માગ વધવા સાથે મુખ્ય એલ્યુમિનિયમના ભાવ વધી જતાં સ્થાનિક ઉત્પાદકોની ભંગારની આયાત એપ્રિલથી અૉક્ટોબર 2017 દરમિયાન વધીને 6.3 લાખ ટન પર પહોંચી છે. ડિરેક્ટોરેટ જનરલ અૉફ કૉમર્શિયલ ઇન્ટેલીજન્સના આંકડા પ્રમાણે નાણાકીય વર્ષ 2017-18ના અંતે ભંગારની કુલ આયાત વધીને 10.8 લાખ ટન થવાની ધારણા છે જે એક વિક્રમ હશે. અગાઉના વર્ષે આયાત 9.3 લાખ ટન હતી.
ભંગારમાંથી સેકન્ડરી એલ્યુમિનિયમ બનાવવામાં પ્રાઇમરી એલ્યુમિનિયમના ઉત્પાદનના મુકાબલે માત્ર પાંચ ટકા ઊર્જાનો વપરાશ થાય છે. ઊર્જા બચાવવાના ઉદ્દેશથી સરકાર તેને પ્રોત્સાહન આપી રહી છે.
લંડન મેટલ એક્સ્ચેન્જ પર એલ્યુમિનિયમના ભાવ મે મહિનાથી અત્યાર સુધીમાં 10 ટકા વધીને ટન દીઠ 2238 ડૉલર થઈ જતાં સેકન્ડરી એલ્યુમિનિયમનાં ઉત્પાદનને બળ મળ્યું છે. રિસાઇકલરો 1500-1600 ડૉલરના ભાવે ભંગાર મંગાવે છે જેના પર 10 ટકા કન્વર્ઝન ખર્ચ લાગે છે. તેમાંથી જ્યારે મૂલ્યવર્ધિત ચીજો બને ત્યારે નફાનો ગાળો 50 ટકા જેવો થઈ જાય છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer