જાહેર-ખાનગી બૅન્કોની એનપીએ ડિસે. ત્રિમાસિકમાં વધીને 9.45 ટકા થઈ

જાહેર-ખાનગી બૅન્કોની એનપીએ ડિસે. ત્રિમાસિકમાં વધીને 9.45 ટકા થઈ

બૅન્કોની એનપીએ સમસ્યા હજી ચાલુ જ રહેશે

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : બેન્ક્સ હજુ પણ પરત નહીં મળેલાં લેણાં - નોન પર્ફોર્મિંગ એસેટ્સ (એનપીએ)ની તાણ હેઠળ રહેશે, એમ અગ્રણી રેટિંગ સંસ્થા કેર રેટિંગ્સે જાહેર ક્ષેત્રની 13 અને ખાનગી ક્ષેત્રની 17, એમ કુલ 30 બેન્ક્સનાં નાણાં વર્ષ 2017-18ના ત્રીજા ત્રિમાસિક ગાળાનાં પરિણામોનું વિશ્લેષણમાં જણાવ્યું છે. 
કેર રેટિંગ્સના ચીફ ઈકોનોમિસ્ટ મદન સબનવિસના મતે, એનપીએ બાબતે, જાહેર ક્ષેત્રની બેન્ક્સ માટે ખરાબ દિવસો હજુ પૂરા નથી થયા. માર્ચ, 2018 પછી બેન્ક્સનાં પરિણામો ઉપરથી આગળનું ચિત્ર કેવું હશે તે જાણવા મળશે.
30 બેન્ક્સની કુલ એનપીએ ગયા વર્ષે 59.3 ટકા હતી, તેમાં ચાલુ નાણાં વર્ષે ત્રીજા ત્રિમાસિક ગાળામાં 34.5 ટકાનો વધારો થયો છે. ડિસેમ્બર, 2016માં એનપીએનો રેશિયો 8.34 ટકા હતો, જે વધીને 9.45 ટકા થયો છે. દરમ્યાન, નાણાં મંત્રાલયે જાહેર ક્ષેત્રની 12 લિસ્ટેડ બેન્ક્સ, જેને આરબીઆઈનાં પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (પીસીએ)હેઠળ સુધારાની પ્રક્રિયામાં છે, તે બેન્ક્સને પોતે કયાં પગલાં લીધાં છે, તે જણાવવા તાકીદ કરી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ નાણાં મંત્રાલય આ બેન્ક્સના વડાઓ સાથે બેઠક યોજશે અને તેમને એનપીએ ઘટાડવા, મૂડી વધારવા તેમજ મુખ્ય ન હોય તેવી પ્રવૃત્તિઓ બંધ કરવા કયાં પગલાં લીધાં છે, તેની માહિતી મેળવશે.
આ બેન્ક્સમાં અલ્લાહાબાદ બેન્ક, બેન્ક ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા, આઈડીબીઆઈ બેન્ક, યુકો બેન્ક, દેના બેન્ક, ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ, ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક, બેન્ક ઓફ મહારાષ્ટ્ર અને કોર્પોરેશન બેન્ક સામેલ છે. રૂા. 51,368 કરોડની સૌથી વધુ એનપીએ આઈડીબીઆઈ બેન્કની છે, તે પછી આઈઓબી રૂા. 34,709 કરોડ એનપીએ ધરાવે છે. 
આ પરિસ્થિતિમાં બેન્ક્સની હાલત પણ કફોડી થઈ છે. એનપીએના ફટકાનું દર્દ ઘટાડવા માટે દેવાં પરત નહીં કરી શકનાર કંપનીઓને આઈબીસી (નાદારી)ની અદાલતમાં લઈ જઈ રહેલી બેન્ક્સને નાદાર કંપનીઓની અસ્ક્યામતોની હરાજીમાં માંડ ગણતરીનાં બિડ મળી રહ્યાં છે. જેમકે, સોમવારે એસ્સાર સ્ટીલના બિડિંગનો છેલ્લો દિવસ હતો, જેના માટે માત્ર બે જ બિડર્સ મળ્યા. રૂઈયા દ્વારા પ્રમોટેડ એસ્સાર સ્ટીલે બેન્ક્સ પાસેથી રૂા. 40,000 કરોડ દેવાં પેટે મેળવ્યાં છે. નાદારીના નવા કાયદા હેઠળ અટકમાં લેવાયેલી અસ્ક્યામતો માટે ભાગ્યે જ કોઈએ રસ દાખવ્યો હતો.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer