નવી મુંબઈ વિમાનીમથકનું 20મીએ વડા પ્રધાનના હસ્તે ખાતમુહૂર્ત


અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી 20મી ફેબ્રુઆરીએ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનીમથકનું ભૂમિપૂજન કરશે. આ વિમાનીમથકનું કામ મોટાપાયે શરૂ થયું છે. તેના પ્રથમ તબક્કામાં 2000 કરોડ રૂપિયાનાં કામો `સિડકો' દ્વારા હાથ ધરાયાં છે.
આ 1160 હેક્ટર જમીન ઉપર 16,000 કરોડ રૂપિયા ખર્ચીને વિમાનીમથક બાંધવામાં આવી રહ્યું છે. આ વિમાનીમથકનું કામ ત્રણ તબક્કામાં કરવામાં આવશે. તેનો પ્રથમ તબક્કો ડિસેમ્બર, 2019માં પૂર્ણ થશે ત્યારે ત્યાંથી પ્રથમ વિમાન ટેક-અૉફ કરશે.
`સિડકો'એ વિમાનીમથકનું કામ યુદ્ધનાં ધોરણે શરૂ કર્યું છે તે અનુસાર 2000 કરોડનું કામ ચાર કંપનીઓને આપવામાં આવ્યું છે. તેમાં જીવીકે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગાયત્રી ઇન્ફ્રા પ્રોજેક્ટ, જે.એમ. મ્હાત્રે અને ટી.જે.પી. એલનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કાનું કામ ડિસેમ્બર, 2019માં પૂર્ણ થાય પછી વરસે એક કરોડ પ્રવાસીઓ તેનો ઉપયોગ કરી શકશે એવો અંદાજ છે. બીજા તબક્કામાં વરસે અઢી કરોડ લોકો તેનો ઉપયોગ કરશે. વર્ષ 2025 સુધીમાં ત્રીજો તબક્કો પૂર્ણ થતાં વરસે છ કરોડ પ્રવાસીઓ તેનો ઉપયોગ કરી શકે એવો અંદાજ રાખવામાં આવ્યો છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer