નોટબંધીનો આઈડિયા આરએસએસનો : રાહુલ ગાંધીકર્ણાટક યાત્રા દરમિયાન કૉંગ્રેસ અધ્યક્ષનો ફરી હુમલો : સંઘના વિચાર પર મોદીએ કામ કર્યુંબેંગ્લોર, તા. 13 : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાના કર્ણાટક પ્રવાસ દરમ્યાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) વડા મોહન ભાગવત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ફરી એક વખત નિશાન સાધ્યું છે.  નોટબંધી મામલે તેમણે આરોપ લગાવ્યો હતો કે મોદીને આ પગલાનો વિચાર આરબીઆઈએ નહીં, આરએસએસે આપ્યો હતો.

કર્ણાટકમાં યોજાનારી ચૂંટણી પહેલાં રાહુલ અહીંના ચાર દિવસના પ્રવાસે છે અને તે દરમ્યાન તેઓ લોકોની વચ્ચે જઈને કેન્દ્ર સરકારની નીતિઓની સતત આલોચના કરી રહ્યા છે.

રાહુલે સેના વિશેના ભાગવતના નિવેદનને મામલે સંઘને ઘેર્યા બાદ ફરી એક વખત ભાગવત અને મોદી પર હુમલો બોલ્યો છે.

રાહુલે એચકેઈએસ કન્વેન્શન  હોલમાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, નોટબંધીનો આઈડિયા ન તો આરબીઆઈનો હતો કે ન તો નાણામંત્રી અરુણ જેટલીનો હતો કે ન તો નાણાં મંત્રાલયના કોઈ અધિકારીનો હતો, આ આઈડિયો આરએસએસના એક પદાધિકારીનો હતો.  આરએસએસે વડાપ્રધાનના દિમાગમાં આ આઈડિયો મૂક્યો અને પીએમે તેના પર કામ કર્યું.

તેમણે કર્ણાટકમાં કહ્યું હતું કે, ભાજપ હિન્દુસ્તાનની વિભિન્ન  સંસ્થાઓ પર કબ્જો કરવાની કોશિશ કરી રહ્યો છે. આરએસએસ પોતાના લોકોને દરેક સંસ્થામાં રાખવાના પ્રયાસમાં છે.મોહન ભાગવતજીનું નિવેદન તો તમે સાંભળ્યું જ હશે. તેમણે દેશના જવાનોના બલિદાનનું અપમાન કર્યું છે. તેમણે પોતાની ટિપ્પણી માટે દેશની માફી માગવી જોઈએ.

રાહુલે પોતાના ચાર દિવસના કર્ણાટક પ્રવાસનો એક વીડિયો પણ ટ્વિટ કર્યો હતો, જેમાં ઉષ્માભેર સ્વાગત માટે લોકોનો આભાર માન્યો છે. તેમણે આ વીડિયો દ્વારા પોતાના પ્રવાસની ઝલક પણ આપી હતી. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer