લોકલ ટ્રેનની ડિમાન્ડ વધતાં મોટા પ્લાનના અમલમાં વિલંબ થયો છે

લોકલ ટ્રેનની ડિમાન્ડ વધતાં મોટા પ્લાનના અમલમાં વિલંબ થયો છે
 
મુંબઈ, તા. 13 : મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ (એમયુટીપી-2) અંતર્ગત ટ્રેનમાં ભીડ ઓછી કરવાનું લક્ષ્ય પ્રવાસીઓની વધતી સંખ્યાને કારણે પાર પડયું નહીં હોવાનું મુંબઈ રેલવે વિકાસ કોર્પોરેશન (એમઆરવીસી)નું કહેવું છે. મુંબઈમાં વિવિધ રેલવે પ્રોજેક્ટ્સનું આયોજન અને તેનો અમલ એમઆરવીસી કરે છે.
મુંબઈના લોકલ ટ્રેનોના પ્રવાસીઓની સંખ્યા 2007-08માં 68 લાખ હતી જે વધીને 75 લાખ થઈ ગઈ છે. એમયુટીપીના અધિકારીઓએ જણાવ્યું હતું કે ટ્રાફિક જામને લીધે લોકો વાહનને બદલે ટ્રેનમાં જવાનું પસંદ કરવા લાગ્યા હોવાથી પ્રવાસીઓની સંખ્યા અપેક્ષા કરતાં વધી ગઈ છે.
એમયુટીપી-2નો અગાઉનો અંદાજિત ખર્ચ 5,400 કરોડ રૂપિયા હતો અને એથી 75 લાખથી વધુ પ્રવાસીઓને રાહત મળવાની આશા હતી.
ભીડવાળા રસ્તા પર એક ચોરસમીટરમાં લગભગ 16 લોકો પ્રવાસ કરતા હોય છે. જ્યારે મુંબઈની લોકલ ટ્રેનોના ત્રણે રૂટ પર ટ્રેન દીઠ 4,200થી 5,400 પ્રવાસીઓ પ્રવાસ કરે છે અને આ સંખ્યાને ઘટાડીને 4,000 સુધી લઈ આવવાનું લક્ષ્ય હતું.
વિશ્વ બૅન્કના અહેવાલ મુજબ હાર્બર લાઈન પર આ લક્ષ્ય પાર પાડવામાં સફળતા મળી છે પરંતુ મધ્ય અને પશ્ચિમ રેલવેમાં એ પાર પડયું નથી. હાર્બરલાઈનમાં પ્રવાસીઓની સંખ્યા ઘટીને 3,924 થઈ છે પરંતુ પશ્ચિમ અને મધ્ય રેલવેમાં એ અનુક્રમે 5,257 અને 4,340 રહી છે.
એમઆરવીસીના ચૅરમૅન અને મેનેજિંગ ડિરેક્ટર આર. એસ. ખુરાનાએ જણાવ્યું હતું કે એમયુટીપીના પ્રથમ અને બીજા તબક્કામાં ક્ષમતામાં 35 ટકાથી વધુનો વધારો થયો છે પરંતુ માગ પણ સતત વધતી ગઈ છે જેથી લક્ષ્ય પાર પાડી શકાયું નથી. મેટ્રોના કામ અને અન્ય કારણોસર રસ્તા પર ટ્રાફિક વધી જવાથી ઘણા પ્રવાસીઓ પણ લોકલ ટ્રેન તરફ વળ્યા છે.
લોકલ ટ્રેનોની નિયમિતતામાં સુધારો કરવાનું પણ એમયુટીપીનું લક્ષ્ય હતું પરંતુ વિશ્વ બૅન્કના અહેવાલમાં જણાવ્યા મુજબ આ બાબતે સ્થિતિ ઊલટી બગડી છે. પશ્ચિમ અને મધ્ય રેલવેમાં ટ્રેનોની નિયમિતતા ઘટીને 96.67 અને 84.3 ટકા થઈ ગઈ છે. જોકે, એમયુટીપીએ ત્રણ લાઈનો પર અઢાર ટ્રેનો દોડાવવાનું લક્ષ્ય આંશિકપણે પાર પાડયું છે. એમઆરવીસીના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર પી.સી. સહગલે જણાવ્યું હતું કે મુખ્યત્વે જૂની ટ્રેનોને લીધે પ્રવાસના સમય અને નિયમિતતાના લક્ષ્ય પર અસર પડી છે.
એમયુટીપી-2 : આરામદાયક પ્રવાસ માટે
ભારતીય રેલવે અને રાજ્ય સરકારે પ્રવાસીઓનું વહન કરવાની ક્ષમતા તથા કાર્યક્ષમતા વધારવા અને પ્રવાસ વધુ આરામદાયક બનાવવા વિશ્વ બૅન્કના ભંડોળથી એમયુટીપી-2 પ્રોજેક્ટ શરૂ ર્ક્યો હતો જેનું કામ અૉક્ટોબર 2010માં શરૂ થયું હતું અને 2015ના અંત સુધીમાં પૂરું થવાનું હતું. જોકે, પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું કામ ડિસેમ્બર 2016માં પૂરું થયું અને બાકીના પ્રોજેક્ટ 2022 સુધીમાં પૂરા થવાની આશા છે. એમયુટીપી-2 અંતર્ગત 5,400 કરોડ રૂપિયા ખર્ચ થવાનો અંદાજ હતો પરંતુ એમાં સુધારો કરાતાં હવે 8,087.11 કરોડ રૂપિયા ખર્ચ થવાન ધારણા છે.
સમસ્યાઓ
ભીડ (ટ્રેન દીઠ પ્રવાસીઓની સંખ્યા)
01-04-2009માં  પ્રવાસ સમય
પશ્ચિમ રેલવે : 5,400 ચર્ચગેટ-વિરાર : 81 મિનિટ
મધ્ય રેલવે : 4,800 સીએસએમટીથી કલ્યાણ : 59 મિનિટ
15મી જૂન 2015 સુધીનું શું હતું લક્ષ્ય ?
પ. રેલવે : 4,000 ચર્ચગેટ-વિરાર : 75 મિનિટ
મ. રેલવે : 4,000  સીએસએમટીથી કલ્યાણ : 54 મિનિટ
31મી ડિસેમ્બર 2016 સુધીમાં પાર પડાયેલું લક્ષ્ય
પ. રેલવે : 5,257 ર્ચગેટ-વિરાર : 81 મિનિટ
મધ્ય રેલવે : 4,340 સીએસએમટીથી કલ્યાણ : 59 મિનિટ
(તમામ રકમ કરોડ રૂપિયામાં)
3,104.47    ઈએમયુ પ્રોક્યુર્મેન્ટ
1,367.00    કુર્લા-સીએસએમટી પાંચમી અને છઠ્ઠી લાઈન
918.53       બોરીવલી-મુંબઈ સેન્ટ્રલ છઠ્ઠી લાઈન
838.48       ડીસીથી એસી કન્વર્ઝન
440.00       થાણે-દીવા પાંચમી અને છઠ્ઠી લાઈન
353.82       ઈએમયુ જાળવણી સુવિધા
245.11       ઈએમયુ માટે સ્ટેબ્લિંગ લાઈન્સ           
220.90       સ્ટેશનોમાં સુધારા અને ટ્રેસપાસ કન્ટ્રોલ
214.00       હાર્બર લાઈનનું ગોરેગામ સુધી વિસ્તરણ
205.00       ટ્રેસપાસ કન્ટ્રોલ સાથે એસ્કેલેટર્સની જોગવાઈ
124.00       પુનર્વસન
47.00          ટેકનિકલ મદદ અને ઈન્સ્ટિટયુનલ સ્ટ્રેન્થનિંગ
8.80            અન્ય કાર્યો અને નહીં ફાળવાયેલી રકમ

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer