હાફિઝ સઈદને આતંકવાદી જાહેર કરતું પાક : વૈશ્વિક દબાણ કારગત

હાફિઝ સઈદને આતંકવાદી જાહેર કરતું પાક : વૈશ્વિક દબાણ કારગત

નવી દિલ્હી /ઈસ્લામાબાદ, તા. 13: મહાનગર મુંબઈમાં 26/11ના આતંકી હુમલાના સૂત્રધાર અને જમાત ઉદ દાવાના વડા હાફિઝ સઈદ સામે પાકિસ્તાને આકરા પગલાં લેવા જ જોઈએ એ સંબંધે વધતા વૈશ્વિક દબાણ સામે ઝૂકી પાકે હાફિઝને આતંકી જાહેર કર્યો છે. પેરિસ ખાતે આવતા સપ્તાહે ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ની બેઠક મળનાર છે તે પહેલાં પાકે આ પગલું લીધું છે. આ પહેલાં સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિએ પ્રતિબંધિત કરેલા શખસો અને સંગઠનો પર લગામ તાણવાનીની નેમથી પાકના એન્ટિ ટેરેરિઝમ એક્ટ (એટીએ)ની સેક્શન 11-બી અને 11-ઈઈમાં સુધારો કરતા વટહુકમ પર પાક પ્રમુખ મામનુન હુસૈને સહી કરી હતી. (યુનોની યાદીમાં 27 પ્રતિબંધિત સંગઠનોનો સમાવેશ થાય છે.) તે અનુસંધાને પાક સરકારે પ્રતિબંધ મૂકવા માટેના જૂથોની યાદીમાં જમાત તથા ફલાહ-ઈ-ઈન્સાનિયત ફાઉન્ડેશન (એફઆઈએફ)નો સમાવેશ કર્યો હતો. તેની પહેલાં ગયા મહિને શાહીદ અબ્બાસીની સરકારે જમાત અને એફઆઈએફ તથા આવા અન્ય સંગઠનોને અનુદાનો આપતી કંપનીઓ અને વ્યક્તિઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. 
પાક સરકારના ઉક્ત પગલાં બાદ પાક પોલીસે દાવાના વડા મથક સહિત 26 સ્થળો બહાર સલામતીના નામે જમાતના સભ્યોએ મૂકેલી આડશો(નાકાબંધી) સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ દૂર કરી હોવાનું લાહોરના ડીઆઈજીએ જણાવ્યું હતું.
લશ્કરે તૈબા, જમાત-ઉદ-દાવા અને હરકત ઉલ મુજાહિદ્દીન જેવાં (યુનોની સલામતી સમિતિએ પ્રતિબંધિત કરેલાં) સંગઠનોને સુધારેલા એટીએ, 1997ને લાવવાના વટહુકમ પર પ્રમુખ મામનુન હુસૈને સહી કરી હતી. તત્કાળ અસરથી અમલી બનતા સુધારેલા એટીએ મુજબ પ્રતિબંધિત સંગઠનોની અસ્ક્યામતો સ્થગિત (ફ્રિઝ) કરાશે. 
પેરિસની એફએટીએફની બેઠકના સપ્તાહ પહેલાં એવી અફવાઓ ગરમ બની ચૂકી હતી કે અમેરિકા અને ભારતના દબાણ તળે પાકિસ્તાનને (ટાસ્ક ફોર્સમાં) ગ્રે યાદીમાં મૂકવામાં આવી રહ્યું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer