શ્રીનગર એન્કાઉન્ટરમાં બે આતંકવાદી ઠાર

શ્રીનગર એન્કાઉન્ટરમાં બે આતંકવાદી ઠાર
 
હુમલામાં તૈબાનો હાથ હોવાનો પોલીસનો દાવો : સલામતી દળોની કાર્યવાહી જારી
 
શ્રીનગર, તા. 13 (પીટીઆઈ) : શ્રીનગરના કરણનગર વિસ્તારમાં સીઆરપીએફ કેમ્પને નિશાન બનાવવાના ઈરાદે એક ઈમારતમાં ઘૂસેલા આતંકવાદીઓ  વિરુદ્ધ કાર્યવાહી બીજા દિવસે પણ જારી રહી હતી જે દરમ્યાન સલામતી દળોએ બે આતંકવાદીને ઠાર માર્યા હતા. જમ્મુ અને કાશ્મીર પોલીસે એક પત્રકાર પરિષદમાં એ બાબતને પુષ્ટિ આપી હતી કે આ હુમલો લશ્કર-એ-તૈબા આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. 
ઉલ્લેખનીય છે કે આ પહેલાં જૈશ-એ-મોહમ્મદ આતંકવાદી જૂથે સુંજવાન અને કરણનગર સીઆરપીએફ કેમ્પ હુમલાની જવાબદારી લીધી હતી.
સીઆરપીએફ કેમ્પને લક્ષ્ય બનાવીને ગઈકાલે આતંકવાદીઓ ઘૂસ્યા તે પછી સલામતી દળો અને ત્રાસવાદીઓ વચ્ચેનું એન્કાઉન્ટર ગત આખી રાત્રિ બાદ આજે સવારે પણ ચાલુ રહ્યું હતું. સલામતી દળો દ્વારા કરણનગર વિસ્તારમાં નિર્માણાધીન ઈમારતમાં લપાયેલા આતંકવાદીઓ સામે આજે સવારે અંતિમ અભિયાનનો આરંભ કર્યો હતો એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
દરમ્યાન, પત્રકારો સાથેની વાતચીતમાં કાશ્મીરના આઈજીપી એસ.પી. પાનીએ કહ્યું હતું કે સલામતી દળોએ બે આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા.
તેમણે ઉમેર્યું હતું કે સીઆરપીએફના એક જવાનને ઈજા પહોંચી હતી પરંતુ તે ખતરાની બહાર છે.
કરણનગર હુમલામાં સુરક્ષાદળો દ્વારા એન્કાઉન્ટર એક દિવસથી વધુ જારી રહેતાં આતંકવાદીઓ નિર્માણાધીન ઈમારતમાં લપાઈ ગયા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer