માહી ગિલનો બોયફ્રેન્ડ ગોવા તથા વિદેશમાં હોટલ-કેસિનોનો માલિક

માહી ગિલનો બોયફ્રેન્ડ ગોવા તથા વિદેશમાં હોટલ-કેસિનોનો માલિક

અનુરાગ કશ્યપની ફિલ્મ `દેવ ડી'માં પરમિન્દર ઉર્ફ પારોની ભૂમિકા ભજવીને લોકપ્રિય થયેલી અભિનેત્રી માહિ ગીલના જીવનમાં ત્યાર બાદના આઠ વર્ષમાં ખાસ્સું પરિવર્તન આવ્યું છે. વીસીમાં હતી ત્યારે માહિ ટીવી સિરિયલમાં ભૂમિકા મેળવવા માટે ચંડીગઢથી મુંબઈ આવી હતી. અહીં એક વર્ષની રઝળપાટ બાદ તેને ફિલ્મ `દેવ ડી' મળી અને તેના આનંદનો પાર ન રહ્યો. આ ફિલ્મ અને માહિની ભૂમિકાની પ્રશંસા થઇ તથા તેણે આ માટે ફિલ્મફેર ક્રિટિક્સ એવૉર્ડ પણ મેળવ્યો. પરંતુ ત્યાર બાદ માહિ અચાનક ગાયબ થઇ ગઇ હતી. આ વિશે તેણે કહ્યું કે, ત્યારે મારા બેસ્ટ ફ્રેન્ડે પૈસાની છેતરપિંડી કરતા મને આઘાત લાગ્યો હતો અને હું ડિપ્રેશનમાં સરી ગઇ હતી. મેં લોકોને મળવાનું તથા ફિલ્મ સાઇન કરવાનું બંધ કરી દીધું હતું. થોડી સ્વસ્થ થઇ ત્યાર પછી અનુરાગના ભાઇ અભિનવે મને `દબંગ'માં અરબાઝ ખાનની પત્નીની ભૂમિકા આપી જે મેં ભજવી. પરંતુ બૉલીવૂડમાં ચાલતી ગણતરીઓમાં મારું આ પગલું ખોટું સાબિત થયું અને નિર્માતાઓ મને મુખ્ય નહીં પરંતુ સાઇડ હીરોઇનની ભૂમિકા ઓફર કરવા લાગ્યા. 
જોકે, આ સમયે ફરી `સાહબ બીવી ઓર ગૅંગસ્ટર' માહિની વહારે આવી. તેણે 2011માં સાહેબ જિમી શેરગીલની બીવીની અને બાદમાં `સાહબ બીવી ઓર ગૅંગસ્ટર રિટર્ન્સ'માં રાજકારણી માધવી દેવીની ભૂમિકા ભજવી. હાલમાં તેણે આ શ્રેણીની ત્રીજી ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું. આમાં તેની ભૂમિકા ચંચળ અને સેકસી યુવતીની છે તથા તે સંજય દત્ત સાથે ડાન્સ કરવા ઉપરાંત જિમ્મી સાથે રોમાન્ટિક દૃશ્યોમાં પણ દેખાશે. વચ્ચેના સમયગાળામાં માહિ પંજાબી ફિલ્મની નિર્માત્રી બની હતી. પરંતુ તે ફિલ્મ ફલોપ જતાં ભારે આર્થિક નુકસાન  થયું હતું.
છેલ્લા થોડાં વર્ષોમાં જીવનમાં આવેલા ચડાવ-ઉતારમાં પોતાના બોયફ્રેન્ડે સારો સાથ આપ્યો હોવાની કબૂલાત પણ માહિ કરે છે. બોયફ્રેન્ડનું નામ આપતાં તેણે કહ્યું કે, તે ગોવા તથા વિદેશમાં હોટલ અને કેસિનો ધરાવે છે. તેની સાથે મળીને જ મેં નિર્માણ કંપની શરૂ કરી છે. જોકે, તેણે સતત પ્રવાસ કરતા રહેવાનું હોવાથી માહિને લોંગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં હોવાનું લાગે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer