ડાંગ એક્સ્પ્રેસ સરિતા ગાયકવાડ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

ડાંગ એક્સ્પ્રેસ સરિતા ગાયકવાડ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 12 : આગામી 4 થી 15 એપ્રિલ 2018 દરમિયાન અૉસ્ટ્રેલિયામાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સમાં 4 - 400 મીટર રીલે દોડમાં ડાંગની સરિતા ગાયકવાડની પસંદગી થઈ છે. ગોલ્ડન ગર્લ અને ડાંગ એક્સ્પ્રેસનાં નામે જાણીતી થયેલી સરિતાની પસંદગી થતાં ડાંગ, ગુજરાત અને સમગ્ર દેશમાંથી અનેક શુભકામનાઓ તેને મળી છે. 
દુનિયાભરમાં જ્યારે મહિલા દિનની ઉજવણીઓ થઈ રહી છે ત્યારે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરશે તેનો નિર્ણય કરાયો હતો. ગત સપ્તાહે પંજાબના પતિયાલા ખાતે ચાલેલી બેઠકમાં એથ્લેટ્કિસ ફેડરેશન ઓફ ઈન્ડિયાની પસંદગી સમિતિએ 11મી કોમનવેલ્થ ગેમ્સ માટે ભારતનું પ્રતિનિધિત્વ કરનારા ખેલાડીઓ માટે મનોમંથન કર્યુ હતું. જેમાં 4-400 મીટર રીલે દોડ માટે ડાંગની સરિતા ગાયકવાડની પસંદગી કરવામાં આવી છે. પસંદગી સમિતિએ ભારતના શ્રેષ્ઠ 18 પુરુષ ખેલાડીઓ અને 13 મહિલા ખેલાડીઓને મોકલવાનો નિર્ણય કર્યો છે. 
નોંધવું કે, સરિતાએ તાજેતરમાં જ ઈન્ડોનેશિયાના જકાર્તા ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતને બે ગોલ્ડ મેડલ અપાવ્યાં હતાં. આ ઉપરાંત સરિતાએ અમેરિકામાં પણ અલગ અલગ પ્રતિયોગિતામાં ભાગ લઈને અનેક મેડલ મેળવ્યાં છે. આ ઉપરાંત સરિતા એ ગુજરાતની પ્રથમ એવી મહિલા પ્લેયર છે જેની પસંદગી કોમનવેલ્થ ગેમ્સ માટે કરવામાં આવી હોય.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer