ઇન્ડિયન વેલ્સમાં જોકોવિચ આઉટ : ફેડરરની આગેકૂચ

ઇન્ડિયન વેલ્સમાં જોકોવિચ આઉટ : ફેડરરની આગેકૂચ
 
યૂકી ભાંબરીએ 12મા ક્રમના ખેલાડીને હાર આપી
 
ન્યૂયોર્ક, તા.12 : ઇન્ડિયન વેલ્સ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં અપસેટનો શિકાર બનીને પૂર્વ નંબર વન સર્બિયાનો નોવાક જોકોવિચ બહાર થઇ ગયો છે. જ્યારે વર્તમાન વિશ્વ નંબર વન અને સ્વિસ સ્ટાર રોઝર ફેડરરે તેનું શાનદાર ફોર્મ જાળવી રાખીને બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી છે. જોકોવિચને પહેલા રાઉન્ડમાં જ જાપાની કવોલીફાયર ખેલાડી તારો ડેનિયલે 7-6, 4-6 અને 6-1થી હાર આપી હતી. કોણીની સર્જરી બાદ વાપસી કરનાર જોકોવિચ માટે ઇન્ડિયન વેલ્સમાં આ હાર આંચકારૂપ છે. જ્યાં તે પાંચ વખત ચેમ્પિયન રહી ચૂકયો છે. ફેડરરે પહેલા રાઉન્ડમાં આર્જેન્ટિનાના ફેડરિકો ડેલબોનિસને 6-3, 7-6થી હાર આપી હતી. આ ટૂર્નામેન્ટમાં ભારતના યૂકી ભાંબરીએ પણ મોટો ઉલટફેર કરીનેવિશ્વમાં 12મો ક્રમ ધરાવતા  ફ્રાંસના ખેલાડી લુકાસ પોઇલીને 6-4 અને 6-4થી હાર આપીને બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. યૂકીની કારકિર્દીની આ સૌથી મોટી જીત છે. યૂકીએ આ પહેલા ઓગસ્ટ 2017માં વિશ્વના 22મા નંબરના ખેલાડી મોફિલ્સને હાર આપી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer