મોદી-ચોક્સી કાંડને પગલે એસબીઆઈ જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રને ધિરાણ આપવાના નિયમો સખત બનાવશે

મોદી-ચોક્સી કાંડને પગલે એસબીઆઈ જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રને ધિરાણ આપવાના નિયમો સખત બનાવશે
કોલકાતા, તા. 12 : દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બૅન્ક ઓફ ઈન્ડિયાએ જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રના દેવાદારો ફરતે સકંજો વધુ કસવા માટે તેમને હાલનાં ધિરાણોની પરત ચુકવણી સુનિશ્ચિત કરવા કોલાટરલનું લેવલ વધારવા અથવા તો ચોક્કસ સમયમર્યાદામાં ધિરાણોનું કદ ઘટાડવા જણાવ્યું છે. પંજાબ નેશનલ બેન્કમાં નીરવ મોદીએ કરેલી રૂા. 12,300 કરોડની છેતરપિંડીના પગલે જેમ્સ અને જ્વેલરી ક્ષેત્ર સહુની નજરે ચઢ્યું છે અને ખાસ કરીને આ ક્ષેત્રના દેવાદારોનાં જોખમને પહોંચી વળવાના વ્યવસ્થા તંત્રની ત્રુટિઓ પૂરવા માટે બૅન્કના બોર્ડે મેનેજમેન્ટને આપેલી સૂચનાઓને કારણે આ પગલું લેવાયું છે.
નીરવ મોદી કૌભાંડને પગલે એસબીઆઈએ જ્વેલર્સને આપેલી તમામ લોનની સમીક્ષા કરીને પર્યાપ્ત રક્ષણાત્મક પગલાં લેવાયાં છે કે નહીં તે તપાસ્યું હતું. કોઈ તફાવત હોય, તેવા કિસ્સામાં બેન્કે દેવાદારોને કોલાટેરલનું લેવલ લોનના મૂલ્યથી ઓછામાં ઓછું 40થી 50 ટકા કરવા અથવા તો દેવાંનું કદ અડધોઅડધ કરવા જણાવ્યું છે.
અગાઉ લોન 10થી 15 ટકાના કોલાટરેલ લેવલની સરળ શરતો સાથે મળતી હતી, જે ધોરણ હવે કડક બનાવાયું છે. એસબીઆઈના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર સુનિલ શ્રીવાસ્તવના જણાવ્યા મુજબ સૈદ્ધાંતિક રીતે જ્યારે પણ ફરજચૂકનો સવાલ આવે છે, ત્યારે અમે અંડરરાઈટિંગ સિસ્ટમની સમીક્ષા કરીએ છીએ.  જ્યારે પણ કંઈક નબળાઈ વર્તાય ત્યારે અમે દેવાદારોને બિઝનેસમાં વધુ ઈક્વિટી લાવવા અથવા તો લોનને ટેકારૂપ કોલાટરલ વધારવા જણાવીએ છીએ.
એમ કહેવાય છે કે એસબીઆઈએ આ ક્ષેત્રના દેવાદારોને તેઓ આ નિયમને કેવી રીતે પાળશે તે વિશે ચોક્કસ યોજના આપવા જણાવ્યું છે. એસબીઆઈને પગલે અન્ય બેન્ક્સ પણ આ રીતે જ જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રના દેવાદારો માટેના નિયમો વધુ કડક બનાવશે તેવી ધારણા છે. ગયા મહિને, એસબીઆઈના ચેરમેન રજનીશ કુમારે જણાવ્યું હતું કે બેન્કે જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રને રૂા. 13,000 કરોડનાં ધિરાણો આપ્યાં છે. 
એ નોંધવું જોઈએ કે જેમ્સ અને જ્વેલરી ક્ષેત્ર 25 લાખથી વધુ લોકોને રોજગાર આપી રહ્યું છે અને દેશના જીડીપીમાં તેનો હિસ્સો છ થી સાત ટકા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer