અમેરિકાના રોજગારીના આંકડા પછી સોનું નરમ

અમેરિકાના રોજગારીના આંકડા પછી સોનું નરમ

અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 12 : અમેરિકામાં ફુગાવો ઝડપથી વધી નહીં જાય તેવા સંકેતો રોજગારીના આંકડાઓ અને રોજગારી મેળવી ચૂકેલા લોકોના પગાર પરથી નક્કી થતા હવે વ્યાજદર પણ તત્કાળ વધી જશે તેવો ભય ટળતા સોનામાં નવો ઘટાડો અટકીને સોમવારે 1317 ડૉલરના સ્તરે ભાવ મક્કમ બોલાતા હતા. અમેરિકી ડૉલરનું મૂલ્ય ચલણ બજારમાં ઢીલું હતું. 
એએનઝેડના વિશ્લેષક ડેનિયલ હાઇન્સ કહે છે, લેબર રિપોર્ટને લીધે ફુગાવા અને વ્યાજદર અંગે જે આક્રમક સ્થિતિ દેખાતી હતી તે થોડી હળવી થઇ છે. કારણકે પગારમાં એટલો વધારો થયો નથી. પરિણામે ફેડ થોડી કૂણી પડશે. જોકે, ફુગાવાનો ભય હળવો થવાથી સોનામાં સલામત રોકાણની માગ પણ ઓછી થઇ છે. ફેડ ચાલુ વર્ષમાં વ્યાજદરમાં ત્રણથી ચાર વખત વધારો કરે તેવી શક્યતા છે. ચાર વખત વ્યાજદર વધે તો સોના પર દબાણ આવશે. કારણકે તેનાથી ડૉલરની કિંમત વધશે. ટૂંકાગાળામાં સોનાના ભાવ અથડાઇ જવાની ધારણા છે. 9મી માર્ચે સોનું 1312 ડૉલર પ્રતિ ઔંસની સપાટીએ પહોંચ્યું હતું. આ સ્તર ટેકારૂપ હવે બની ગયું છે. તેની નીચે સોનું જશે તો કડાકાની શક્યતા નકારાતી નથી. 1345 વટાવે તો તેજી થશે.
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ આગલા દિવસથી રૂા. 50ના ઘટાડે રૂા. 31,350 હતો. મુંબઈમાં રૂા. 115ના ઘટાડામાં રૂા. 30,430 હતું. ન્યૂ યોર્કમાં ચાંદી સ્પોટ 16.44 ડૉલર હતી. સ્થાનિક બજારમાં એક કિલો રૂા. 200 ઘટતા રૂા. 39,000 હતી. મુંબઈ ચાંદી રૂા. 50ના ઘટાડામાં રૂા. 38,335 હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer