વૈશ્વિક બજારોમાં તેજીને પગલે સૂચકાંકોમાં જુલાઈ પછીનો એક જ દિવસનો સૌથી મોટો ઉછાળો

વૈશ્વિક બજારોમાં તેજીને પગલે સૂચકાંકોમાં જુલાઈ પછીનો એક જ દિવસનો સૌથી મોટો ઉછાળો
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.12 : સકારાત્મક વૈશ્વિક પરિબળો અને લેવાલી વધતાં સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકોની ખરાબ અઠવાડિયા પછી રિકવરી થઈ છે. અમેરિકાના આંકડા જાહેર થવાને પગલે ફુગાવાનું દબાણ ઘટવાના અને નજીકના ભવિષ્યમાં વ્યાજ દરમાં વધારો થવાની સંભાવના નહીં હોવાના સંકેતોથી મોટા ભાગનાં વૈશ્વિક બજારો સકારાત્મક રહ્યાં હતાં.  
સેન્સેક્ષ 610.80 પોઈન્ટ્સ (1.8 ટકા) વધીને 33,917.94 પોઈન્ટ્સ અને નિફ્ટી 194.55 પોઈન્ટ્સ (1.9 ટકા) વધીને 10,421.40 ઉપર બંધ રહ્યો હતો. 
નિફ્ટી-50ના 47 શૅર્સ વધ્યા હતા અને 3 શૅર્સ ઘટયા હતા. એનએસઈના 856 શૅર્સ વધ્યા હતા, 698 શૅર્સ ઘટયા હતા અને 70 શૅર્સ સ્થિર રહ્યા હતા. સેન્સેક્ષના 29 શૅર્સ વધ્યા હતા અને બે શૅર્સ ઘટયા હતા. બીએસઈમાં 1370 શૅર્સ વધ્યા હતા, 1344 શૅર્સ ઘટયા હતા અને 186 શૅર્સ સ્થિર રહ્યા હતા. નિફ્ટી એફએમસીજી સૂચકાંક 2.6 ટકા, નિફ્ટી ફાર્મા સૂચકાંક 1 ટકા અને નિફ્ટી આઈટી સૂચકાંક 1.4 ટકા વધ્યે હતો. નિફ્ટી-50 ગયા અઠવાડિયે ત્રણ ટકા જેટલો ઘટયો હતો. 
નિફ્ટી-50માં  કોલ ઈન્ડિયા, ઓરોબિંદો ફાર્મા અને સ્ટેટ બૅન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) સિવાય દરેક શૅર્સ વધ્યા હતા. જિયોજિત  ફાઈનાન્સિયલ સર્વિસીસના ચીફ માર્કેટ સ્ટ્રેટેજીસ્ટ આનંદ  જેમ્સે જણાવ્યું હતું કે, અમેરિકાના રોજગારના આંકડા સારા હોવાથી શૅર્સ વધ્યા હતા જેના પગલે સૂચકાંકમાં વધુ ભારણ ધરાવતા શૅર્સના ભાવ સૌથી વધુ વધ્યા હતા અને બજારની જોખમ પચાવવાની ક્ષમતા પણ વધી હતી.  નહીં ચૂકવાયેલાં દેવાં અને કૌભાંડને  લીધે રોકાણકારો જાહેર ક્ષેત્રની બૅન્કોના શૅર્સથી દૂર રહ્યા હતા. પીએસયુ બૅન્ક સૂચકાંક 0.5 ટકા ઘટયો હતો. 
ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (એફએમસીજી)માં સારી લેવાલીને  પગલે નિફ્ટી એફએમસીજી સૂચકાંક 2.6 ટકા વધ્યો હતો અને નિફ્ટી મેટલ સૂચકાંક 2.1 ટકા વધ્યો હતો. 
આઈડીબીઆઈ બૅન્કનો શૅર 12 ટકા ઘટીને રૂા. 62.45 ઉપર બંધ રહ્યો હતો, જે અૉગસ્ટ 2015 બાદની નીચલી સપાટી છે. જ્યારે આંધ્ર બૅન્કના ભૂતપૂર્વ ડિરેક્ટર અનુપ પ્રકાશ ગર્ગ ઉપર એનફોર્સમેન્ટ ડિરેકટોરેટે સ્ટર્લિંગ બાયોટેકને સંડોવતા રૂા.50 અબજના બૅન્ક કૌભાંડ બદલ ફરિયાદ દાખલ કરતા આંધ્ર બૅન્કનો  શૅર 14 ટકા ઘટીને 14 વર્ષની નીચલી સપાટીએ રૂા. 33.20 ઉપર બંધ રહ્યો હતો.  કોલ ઈન્ડિયાનું પ્રતિ શૅર રૂા. 16.50નું વચગાળાનું ડિવિડંડ ધારણા કરતાં ઓછું હોવાથી કંપનીનો શૅર બે ટકા ઘટયો હતો.   રોકાણકારોની નજર જાન્યુઆરીના ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા ઉપર રહેશે. એક ફંડ મેનેજરે કહ્યું કે, નાણાકીય ખાધમાં વધારો અને અમેરિકામાં વ્યાજદરનો વધારો ચાલુ રહેવાના ભયે બજારમાં હજુ મંદીનો ટોન રહેશે. આ સમયનો ઉપયોગ પ્રોફિંટ-બુકિંગ માટે થઈ શકે. રાજકીય અસ્થિરતાને પણ રોકાણકારોએ ધ્યાનમાં રાખવી જોઈએ.
ઈન્ફોસિસના શૅર ઉપર નજર રહેશે કેમ કે કંપનીએ કહ્યું છે કે તેઓ યુરોનેકસ્ટ પેરિસ અને લંડન એક્સચેન્જમાં ઓછા ટ્રેડિંગને પગલે તે પોતાના અમેરિકન ડિપોઝિટરી શૅર્સ જાતે જ ડિલિસ્ટ કરશે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer