અનંતનાગમાં સલામતી દળો સાથેની અથડામણમાં 3 આતંકવાદી ઠાર


શ્રીનગર તા. 12: જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના હકુરા વિસ્તારમાં સલામતી દળો સાથેની અથડામણમાં 3 આતંકી માર્યા ગયા હતા. આ વિસ્તારમાં આતંકીઓની હાજરી અંગે બાતમી મળતા આ વિસ્તારમાં શનિવાર મોડી રાતથી હાથ ધરાયેલી કારવાઈમાં આ 3 આતંકીને પરોઢ પહેલાં દળો સાથેની અથડામણમાં ખત્મ કરાયાનું આર્મીના અધિકારીએ જણાવ્યું હતું. અથડામણના સ્થળેથી એકે 47 રાઈફલો, પિસ્તોલો અને હાથ બોમ્બ સહિતનો શત્રસરંજામ મળ્યા હતા. 3 આતંકી પૈકીનો એક શહેરના સૌરા ખાતે પોલીસ ગાર્ડ ચોકી પરના તાજેતરના હુમલા-જેમાં પોલીસ કોન્સ્ટેબલ માર્યો ગયો હતો-માં સંડોવાયેલો હતો.
દરમિયાન શકમંદ ત્રાસવાદીઓએ દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સીઆરપીએફની ગાર્ડ પોસ્ટ પર હાથબોમ્બ ઝીંકયો હતો. તેમાં કોઈ નુકસાની થઈ ન હતી.
બીજી તરફ સુંજવાનમાંના હુમલા સહિતના પાંચ આત્મઘાતી હુમલાના સૂત્રધાર મુફતી વકાસની ખત્મ કરાતા જૈશ એ મોહમ્મદને તીવ્ર ફટકો પડયો છે કારણ કે તે ભારતના અન્ય ભાગોને નિશાન બનાવવાનું તેનું આયોજન હતું. ફિદાયીન (આત્મઘાતી) હુમલાઓ માટે યુવાનોને હેતુપ્રેરિત કરવાના કૌશલ સબબ કિલિગ મશીન કહેવાતો વકાસ પાકમાંના તેના હેન્ડલર્સ(સૂત્રસંચાલકો)ને સતત અપડેટ આપતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer