ભારતમાં પોતાના રાજદ્વારીઓની સતામણી કરાતી હોવાનો પાકિસ્તાનનો આક્ષેપ : પાછા બોલાવી લેવાની ધમકી


ઈસ્લામાબાદ, તા. 12 : શત્રવિરામ ભંગ અને આતંકવાદ મુદ્દે સતત આખી દુનિયાને ગુમરાહ કરતાં રહેલા પાકિસ્તાનને હજી પણ શાતા વળતી નથી. સંયુક્તરાષ્ટ્રમાં કાશ્મીર મુદ્દે વગોવાયા બાદ હવે પાકે. ભારત ઉપર નવા આરોપ મુક્યા છે. પાક. તરફથી શરૂ કરવામાં આવેલા દુષ્પ્રચાર અનુસાર ભારતમાં તેનાં રાજદ્વારીઓ અને તેનાં પરિવારોની સતામણી કરવામાં આવી રહી છે. આટલેથી નહીં અટકતા પાકે. એવી ધમકી પણ ઉચ્ચારી છે કે જો આવું હજી પણ ચાલુ રહેશે તો તે ભારતમાંથી રાજદ્વારીઓને પરત ખેંચી લેશે.
પાક.ની સમાચાર સંસ્થા ડોનનાં અહેવાલ અનુસાર પાકે. આની જાણકારી ઈસ્લામાબાદમાં નિયુક્ત ભારતીય દૂતાવાસ અને દિલ્હીમાં ભારતીય વિદેશ મંત્રાલયને પણ કરી દીધી છે. આ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે પાક. રાજદ્વારીઓ અને તેનાં પરિવારો માટે ભારતમાં રહેવું દુષ્કર બનતું જાય છે. તેમને સતત પરેશાન કરવામાં આવી રહ્યા છે. આ બધું છેલ્લા કેટલાંક દિવસોથી શરૂ થયું હોવાનું પાક. કહે છે. 
ફરિયાદ અનુસાર પાક. ડેપ્યુટી હાઈ કમિશનરનાં બાળકોને શાળાએ જતી વખતે અધવચ્ચે હેરાન કરવામાં આવી રહ્યા છે. એક વરિષ્ઠ રાજદ્વારી તેમને ઉલટુંસૂલટું ભાંડી ગયા હતાં. આ ઉપરાંત રાજદ્વારીઓનાં વાહનોને પણ કારણ વિના રોકવામાં આવી રહ્યા છે. દૂતાવાસમાં કામ કરતાં ભારતીયોને પણ કામ ઉપર આવવા દેવાતા નથી. જો કે પાકિસ્તાને આનાં માટે કોઈ ઉપર સીધું દોષારોપણ કરવાનું ટાળ્યું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer