બાંગ્લાદેશનું વિમાન કાઠમંડુ ઍરપોર્ટ ખાતે ઉતરાણ વખતે તૂટી પડતાં 50નાં મૃત્યુ

 
કાઠમંડુ, તા. 12 : નેપાળના કાઠમંડુ આંતરરાષ્ટ્રીય હવાઈમથક ઉપર લેન્ડિંગ દરમિયાન બંગલાદેશની યુએસ-બંગલા એરલાઈન્સનું વિમાન તુટી પડયું હતું. જેમાં 50થી વધારે યાત્રિકોના મૃત્યુ થયા હોવાની આશંકા છે. ત્રિપુવન એરપોર્ટના પૂર્વ ભાગમાં વિમાનને નડેલો અકસ્માત નજરે જોનારા લોકોના કહેવા પ્રમાણે બચાવ કામગીરી દરમિયાન કાટમાળમાંથી ભડથું થયેલા મૃતદેહો મળી આવ્યા હતા. આ વિમાનમાં કુલ 67 મુસાફરો અને 4 ક્રુ સભ્યો સવાર હતા. જેમાંથી 17 ઈજાગ્રસ્તોને નેપાળની અલગ અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 
રશિયા અને ઈરાનમાં ચાલુ વર્ષે બનેલી ગોઝારી વિમાન દુર્ઘટના બાદ નેપાળના કાઠમંડુ એરપોર્ટમાં યુએસ-બંગલા એરલાઈન્સનું વિમાન ક્રેશ થયું છે. લેન્ડિંગ દરમિયાન ખામી સર્જાયા બાદ વિમાન તુટી પડયું હતું અને જોતજોતામાં આગને હવાલે થયું હતું. આ ગોઝારી દુર્ઘટનામાં 50થી વધારે યાત્રિકોએ જીવ ગુમાવ્યાની આશંકા છે. વિમાન દુર્ઘટના બાદ એરપોર્ટ ઉપર આગની લપેટો દુર સુધી જોવા મળી રહી હતી. અકસ્માતની જાણ થતાની સાથે જ બતાવ અને રાહત કાર્યવાહી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે અને ભારે જહેમત બાદ વિમાનમાં લાગેલી આગ કાબૂમાં કરવામાં આવી હતી. આ દુર્ઘટના બાદ બચાવ કામગીરીમાં 17 જેટલા ઈજાગ્રસ્ત યાત્રિકોને તાકીદે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. 
નાગરીક ઉડ્ડયન પ્રશાસનના ડાયરેક્ટર જનરલ સંજીવ ગૌતમે વિમાન દુર્ઘટના બાબતે કહ્યું હતું કે, રનવે ઉપર લેન્ડિંગ દરમિયાન વિમાને સમતોલન ગુમાવ્યું હતું. આ ઉપરાંત વિમાનને રનવેના દક્ષિણ તરફથી લેન્ડિંગની મંજૂરી અપાઈ હતી પણ વિમાન ઉત્તર તરફથી એરપોર્ટ ઉપર ઉતર્યું હતું. એરપોર્ટ પ્રવક્તા પ્રેમનાથ ઠાકુરે કહ્યું હતું કે, લેન્ડિંગ સમયે વિમાન એક તરફ નમી ગયું હતું અને આગ ફાટી નિકળ્યા બાદ નજીકના ફુટબોલ ગ્રાઉન્ડમાં તુટી પડયું હતું.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer