વેપારીઓએ છુપાવી 34 હજાર કરોડની જીએસટીની જવાબદારી ?


જીએસટીઆર-1 અને 3બીના આંકડામાં તોતિંગ તફાવત : બન્ને રિટર્નના આંકડાઓમાં તફાવત હોય તેવા કારોબારીઓને નોટિસો ફટકારાશે

નવીદિલ્હી, તા.12 : જુલાઈથી ડિસેમ્બર વચ્ચે જીએસટી નેટવર્ક ઉપર ફાઈલ થયેલા રિટર્નનાં પ્રાથમિક વિશ્લેષણમાં ચોંકાવનારો 34 હજાર કરોડ રૂપિયાનો ગોટાળો સામે આવ્યો છે. જેને પગલે વેપારીઓ અને કારોબારીઓએ આટલી મોટી રકમની કરવેરાની જવાબદારી છૂપાવી હોવાનો સંદેહ ઉભો થયો છે.
શનિવારે મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ મુદ્દો ઉઠયો હતો. હવે જીએસટી રિટર્ન-1 અને જીએસટીઆર-3બીમાં અલગ-અલગ વેરા જવાબદારી દર્શાવનારા વેપારીઓને નોટિસો પાઠવવામાં આવે તેવી શક્યતા છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે જે લોકોનાં બન્ને રિટર્નમાં આંકડાની વિસંગતી વધુ મોટી હોય તેમનાં ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે. આ ઉપરાંત આયાતી સામાન ઉપર ઓછી ડયુટી ચૂકવવી પડે તે માટે તેની કિંમત ઓછી દેખાડવામાં આવતી હોવાનું પણ સામે આવ્યું છે.
વાસ્તવમાં જીએસટીની વસૂલાત ધારણાં કરતાં ઓછી રહેતી હોવાનાં પગલે રિટર્નનાં આંકડાઓનું વિશ્લેષણ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અધિકારીઓને બન્ને રિટર્ન ફાઈલીંગનાં આંકડાઓમાં મોટો તફાવત જણાયો હતો. જો કે જાણકાર લોકો આવું થવા પાછળનાં કેટલાંક ટેક્નિકલ કારણો જવાબદાર હોવાનું પણ જણાવે છે. એટલે જ આંકડાનો આ તફાવત સરકાર માટે ગંભીર ચિંતાનો વિષય ન હોવાનું કહેવામાં આવે છે. 
વાસ્તવમાં જીએસટીનાં બન્ને રિટર્નની રૂપરેખા એવી નથી કે બન્નેનાં આંકડાઓ એકસમાન જ આવે. જીએસટીઆર-3બી વેપાર-ધંધાનાં આંકડાનો સારાંશ જેવા હોય છે. જ્યારે જીએસટીઆર-1માં તમામે તમામ બિલ અને તેનાં ઉપર લાગતાં ટેક્સની વિગતો હોય છે. માટે જ આમાં તફાવત આવવાને અવકાશ છે. જેમ કે છેલ્લી ઘડીએ મળેલા ઓર્ડરનો રિટર્નમાં સમાવેશ ન થઈ શક્યો હોય, કોઈ વેંચાણ ભૂલથી બે વખત ગણાઈ ગયું હોય, આંતરરાજ્ય વ્યવહાર આંતરરાજ્ય કે તેનાથી ઉલટો દર્શાવી દેવામાં આવ્યો હોય, પરત આવેલો માલ દર્શાવાયો ન હોય કે પછી ભૂલથી નિકાસ દેખાડી દેવામાં આવી હોય તો આંકડાઓમાં આવા તફાવત જોવા મળી શકે છે. આમછતાં 34 હજાર કરોડ રૂપિયાનો જંગી તફાવત જોવા મળતાં વેરાવિભાગ તેમાં ઉંડા ઉતરીને જો કોઈ શંકાસ્પદ વ્યવહારો જણાય તો તેની તપાસ કરવાં માગે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer