છ બેઠકો માટે સાત ઉમેદવારી પત્રો ભરાયા ભાજપ વતી નારાયણ રાણે અને મુરલીધરને ઉમેદવારી પત્રો ભર્યા

છ બેઠકો માટે સાત ઉમેદવારી પત્રો ભરાયા ભાજપ વતી નારાયણ રાણે અને મુરલીધરને ઉમેદવારી પત્રો ભર્યા

મુંબઈ, તા. 12 (પીટીઆઈ) : મહારાષ્ટ્રમાં રાજ્યસભાની છ બેઠકો માટે આવતી 23મી માર્ચે યોજાનારી ચૂંટણી માટે સાત ઉમેદવારી પત્રો નોંધાયા છે. તેથી જો 15મી માર્ચ સુધીમાં ઉમેદવારી પાછી નહીં ખેંચાય તો ચૂંટણી યોજાશે.
આ ચૂંટણી માટે ભાજપ વતીથી કેન્દ્રના માનવસ્રોત પ્રધાન પ્રકાશ જાવડેકર, મહારાષ્ટ્ર સ્વાભિમાની પક્ષના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન નારાયણ રાણે, કેરળ ભાજપના ભૂતપૂર્વ વડા વી. મુરલીધરન અને રાજ્ય મહિલા પંચનાં અધ્યક્ષા વિજયા રાહટકરે, કૉંગ્રેસ વતી વરિષ્ઠ પત્રકાર કુમાર કેતકર, રાષ્ટ્રવાદી વતી ફરી વંદના ચવ્હાણ તેમ જ શિવસેના વતી ફરી અનિલ દેસાઈએ ઉમેદવારી પત્રો ભર્યા છે.
પ્રકાશ જાવડેકર તેમ જ રાજ્યસભામાંથી વિદાય લેતા અનિલ દેસાઈ અને વંદના ચવ્હાણે ગત સપ્તાહે ઉમેદવારી પત્રો ભર્યા છે. રાણે અને મુરલીધરને ઉમેદવારી પત્રો ભર્યા  ત્યારે મુખ્ય પ્રધાન ફડણવીસ હાજર રહ્યા હતા. `લોકસત્તા'ના ભૂતપૂર્વ તંત્રી કુમાર કેતકરે આજે ઉમેદવારી પત્ર ભર્યું ત્યારે મહારાષ્ટ્ર કૉંગ્રેસના વડા અશોક ચવ્હાણ ઉપસ્થિત રહ્યા હતા.
આ ચૂંટણી પછી રાજ્યસભામાં ભાજપનું સંખ્યાબળ નિશ્ચિતપણે વધશે. રાજ્યસભામાંથી કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી પ્રત્યેકના બે તેમ જ શિવસેના અને ભાજપ પ્રત્યેકના એક સભ્ય નિવૃત્ત થયા હતા. જોકે, વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ 122 છે. તેથી ભાજપ ત્રણ ઉમેદવારોને રાજ્યસભામાં મોકલી શકશે. જ્યારે શિવસેના, રાષ્ટ્રવાદી અને કૉંગ્રેસ પ્રત્યેકનો એક ઉમેદવાર ચૂંટાઈને રાજ્યસભામાં જશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer