ખેડૂતોની લોંગ માર્ચ દાંડી કૂચના દિને યશસ્વી : યેચુરી

ખેડૂતોની લોંગ માર્ચ દાંડી કૂચના દિને યશસ્વી : યેચુરી

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 12 : કિસાનોએ માગણીના સમર્થનમાં કાઢેલી નાશિકથી મુંબઈ સુધીની લાંબી કૂચને ઐતિહાસિક ગણાવતા માર્કસવાદી પક્ષના મહામંત્રી સીતારામ યેચુરીએ કહ્યું હતું કે આજનો દિવસ ઐતિહાસિક છે. કારણકે આજના દિવસે જ મહાત્મા ગાંધીએ અંગ્રેજોના મીઠાના કાયદા વિરુદ્ધ દાંડી કૂચ કાઢી હતી. મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારે અગાઉ બે વાર કિસાનોની માગણી સ્વીકારવા મૌખિક બાંયધરી આપી હતી પરંતુ ત્યાર બાદ દગાખોરી કરી હતી. આ વખતે ખેડૂતો લેખિત આશ્વાસન લીધા વિના ઝંપશે નહીં.
તેમણે મોદી સરકાર પર આકરા પ્રહારો કરતાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારમાં આવ્યા બાદ અનેક મોદીઓનાં નામ સાંભળવામાં આવ્યાં છે અને આ બધાં મોદીઓ લૂંટારું છે.
કિસાનોની લોંગ માર્ચને ટેકો આપવા દિલ્હીથી મુંબઈ આવેલા યેચુરીએ કહ્યું હતું કે સરકારના આંખમિચામણાં વિના લલિત મોદી, વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોકસી કઈ રીતે દેશ છોડીને જઈ શકે? આ લૂંટારાઓને દેશ છોડવા સરકાર મદદ કરે છે અને ખેડૂતો ઋણ ન ચૂકવે તો તેમની વસૂલી માટે કનડગત કરાય છે અને ખેડૂતો આત્મહત્યા કરે છે. સરકારના આંકડા પ્રમાણે નરેન્દ્ર મોદી શાસનમાં આવ્યા બાદ દર વર્ષે સરેરાશ વીસ હજાર ખેડૂતોએ આત્મહત્યા કરી છે. આ હિસાબે ત્રણ વર્ષમાં 60,000 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. જો ખેડૂતો આપઘાત કરતા હોય તો `અચ્છે દિન' ક્યાં આવ્યા છે.
યેચુરીએ કહ્યું હતું કે સરકારે ઉદ્યોગપતિ અને બિઝનેસમૅનની કરોડો રૂપિયાની લોનની રકમ માફ કરી છે, પરંતુ ખેડૂતોની `કર્જ માફી' માટે જોઈતાં નાણાં તેની પાસે નથી.
યેચુરીએ આક્ષેપ કર્યો હતો કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન માટે ખેડૂતોની જમીનનું અતિગ્રહણ કરાય છે. જો ખેતી માટે જમીન જ નહીં રહે તો આપણે ખાઈશું શું?
અમેરિકામાં ખેડૂતોને 70-80 ટકા સબસિડી મળે છે, પરંતુ તેમની પેદાશોની ડિમાન્ડ નથી. આથી આ માલ ભારતીય બજારમાં વેચવા માટે અહીંના કિસાનોને બલિ બનાવવામાં આવી રહ્યા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer