કરોડો રૂપિયાનું કોબલર કૌભાંડ

કરોડો રૂપિયાનું કોબલર કૌભાંડ
 
દોષમુક્ત કરવાની ભૂતપૂર્વ શેરીફ ડાયા અને આઝમીની અરજી અદાલતે નકારી કાઢી
 
મુંબઈ, તા. 12 : કરોડો રૂપિયાના કોબલર કૌભાંડમાંથી મુંબઈના ભૂતપૂર્વ શેરીફ સદરુદ્દીન ડાયા સહિત કેટલાક હાઈપ્રોફાઇલ આરોપીઓને દોષમુક્ત જાહેર કરવાની વિનંતી વધારાના મુખ્ય મેટ્રોપોલિટન મૅજિસ્ટ્રેટ એસ.વી. સહારેએ નકારી કાઢી છે તેથી હવે 22 વર્ષ જૂના કેસનો ખટલો શરૂ થશે.
આ ખટલાના જાણીતા આરોપીઓમાં દાઉદ ફૂટવેરના માલિક અને ભૂતપૂર્વ શેરીફ સદરુદ્દીન ડાયા, મેટ્રો શૂઝના ડિરેક્ટર અઝીઝ તેજાણી, શિવસેનાના ભૂતપૂર્વ વિધાનસભ્ય બાબુરાવ માને, સમાજવાદી પાર્ટીના વિધાનસભ્ય અબુ આસીમ આઝમી, તેમના ભાઈ અને સીટી વોક શૂઝના માલિક અબુ શાહીદ આઝમી, મેટ્રો શૂઝના માલિક રફીક તેજાણી, ચર્મકારો દ્વારા સ્થાપવામાં આવેલી કેટલીક સહકારી સોસાયટીના અધ્યક્ષ મારુખ ખેરાવાલા તેમ જ મિલાનો શૂઝના કિશોર સિગ્નાપુરકરનો સમાવેશ થાય છે. તેઓ ઉપર ઇન્ડિયન પીનલ કોડ હેઠળ ઠગાઈ અને નકલી દસ્તાવેજો બનાવવા તેમ જ મહારાષ્ટ્ર કૉ-ઓપરેટીવ સોસાયટીસ એક્ટ હેઠળ આરોપો મૂકવામાં આવ્યા છે.
આરોપીઓએ અદાલત સમક્ષ રજૂઆત કરી છે કે તેઓએ કથિત ઠગાઈમાં સંકળાયેલી રકમ બૅન્કોને વ્યાજ સાથે પાછી ચૂકવી દીધી છે. તેથી હવે કોઈ ફરિયાદ રહેવી ન જોઈએ. તે અંગે ન્યાયાધીશે જણાવ્યું હતું કે લોનની રકમ ચૂકવી દેવાઈ છે એ એકમાત્ર કારણોસર આરોપીઓને ગરીબ ચર્મકારોને નામે લોન લેવા અને તેનો પોતાના લાભ ખાતર ઉપયોગ કરવાના આરોપમાંથી દોષમુક્ત કરી ન શકાય.
આ કૌભાંડ શું છે?
ભારત સરકાર અને રિઝર્વ બૅન્કે વર્ષ 1985 પછી ગરીબ ચર્મકારો અને હસ્તકલાના કારીગરો આજીવિકા રળી શકે અને જીવનધોરણ સુધારી શકે એ માટે તેઓ પ્રત્યેકને 25,000 રૂપિયાની લોન આપવાની સ્કીમ બહાર પાડી હતી. તેથી આરોપીઓએ બેનામી ચરમકારોના નામે સહકારી સંસ્થા સ્થાપી હતી. તેઓને ઓછા વ્યાજે મળેલાં નાણાંનો ઉપયોગ ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓએ પોતાના માટે કર્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer