વિરારમાં હત્યાનો કેસ ઉકેલાયો

વિરારમાં હત્યાનો કેસ ઉકેલાયો

કાર ખરીદવા લીધેલા રૂપિયા પરત ન કરતા મુંબઈના યુવકને મારીને ફેંકી દેવાયો
 
પ્રકાશ બાંભરોલિયા તરફથી
મુંબઈ, તા. 12 : વિરાર પોલીસ સ્ટેશનની હદમાં મુંબઈ-અમદાવાદ હાઈવે નજીક 28 ફેબ્રુઆરીએ એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે વિવિધ સ્થળે મૃતકના ફોટા ફોરવર્ડ કરીને એને ઓળખવાની કામગીરી હાથ ધરી હતી ત્યારે એની ઓળખ અને હત્યારાનો પત્તો મેળવવામાં 12 દિવસે સફળતા મેળવી હતી. પોલીસે હત્યાના મામલામાં બે આરોપીની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ વિરારમાં 28 ફેબ્રુઆરીએ મુંબઈ-અમદાવાદ હાઈવે પરના એક ગામ નજીક એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની ઓળખ થાય એવી કોઈ વસ્તુ ઘટનાસ્થળેથી હાથ ન લાગતાં એની ઓળખ કરવા માટે પોલીસે મુંબઈ, નવી મુંબઈ, થાણે, પાલઘર જિલ્લા ઉપરાંત ગુજરાતના વાપી, સુરત, ઉમરગાંવ, વલસાડ, અમદાવાદ, ભિલાડ, સંજાણ, નવસારી વગેરે સ્થળે ફોટા સાથેનાં પોસ્ટર લગાવ્યાં હતાં.
અજાણ્યો મૃતક ડોંગરી, પાયધુની, મુંબઈ પરિસરમાં જોવા મળ્યા હોવાની માહિતી મળતાં તપાસ કરાતાં 10 માર્ચે મૃતકની ઓળખ થઈ હતી અને એની હત્યા કરનારાઓની પણ માહિતી પોલીસને હાથ લાગી હતી. આરોપીઓને પોલીસે તાબામાં લીધા બાદ એમની કરેલી પૂછપરછમાં એમણે હત્યા કર્યાંનું કબૂલ્યું હતું.
આરોપીઓએ પોલીસને કહ્યું હતું કે મૃતક સાથે એમની ઓળખાણ ઓલા કંપનીમાં થઈ હતી. બાદમાં કાર ખરીદવા માટે એક આરોપીએ મૃતકને રોકડ રકમ આપી હતી. મૃતકે આ રૂપિયાથી પોતાને નામે કાર ખરીદી હતી. કાર હાથમાં આવ્યા બાદ મૃતક એ ચલાવવાને બદલે સતત ઊભી રાખતો હતો. આથી આરોપીઓએ એની પાસેથી રૂપિયા પાછા માગ્યા હતા.
જોકે મૃતકે આમ કરવાની ના પાડવાની સાથે કાર પણ પોતાની પાસે જ રાખતાં આરોપીઓ એને કારમાં મુંબઈ-અમદાવાદ હાઈવે પરના કોપર ગામની હદમાં લઈ ગયા હતા. અહીં બેલ્ટ અને શર્ટથી ગળું દબાવીને એની હત્યા કરીને મૃતદેહ ફેંકી દીધો હતો.
પોલીસે બન્ને આરોપીની હત્યા કરવાના આરોપસર ધરપકડ કરીને આગળની તપાસ માટે 16 માર્ચ સુધીની પોલીસ કસ્ટડી મેળવી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer