નર્મદાનાં નીર છતાં સર્જાતા જળસંકટને નિવારવા અરબી સમુદ્રનાં પાણીને પીવાલાયક બનાવાશે

નર્મદાનાં નીર છતાં સર્જાતા જળસંકટને નિવારવા અરબી સમુદ્રનાં પાણીને પીવાલાયક બનાવાશે
 
1600 કિ.મી. સાગરકાંઠો ધરાવતા ગુજરાતને પાણી સમસ્યાથી કાયમી મુક્તિ આપવા સરકાર કટિબદ્ધ : કાયમી જળ સંકટથી પરેશાન સૌરાષ્ટ્રના માળિયાથી જ પ્રોજેકટનો પ્રારંભ
 
રાજકોટ, તા. 12 : ઉનાળાના પ્રારંભ સાથે જ શરૂ થઈ જતાં જળસંકટથી કાયમી ધોરણે છૂટકારો મેળવવાની દિશામાં રાજ્ય સરકારે નજર દોડાવી છે અને રાજ્યને ભરડો લઈ ઉછળતા અરબી સમુદ્રના ખારા પાણીને મીઠુ અને પીવાલાયક બનાવી ખાસ કરીને ઉનાળાના જળસંકટને દૂર કરવા માટે આયોજન હાથ ધર્યું છે. આ પ્રોજેકટ માટે જળ સંકટથી વધુ અસરગ્રસ્ત એવા સૌરાષ્ટ્રને જ પસંદ કરી માળિયા ખાતે રાજ્યનો આ પ્રથમ પ્લાન્ટ નાંખવા માટેની ટેન્ડર પ્રક્રિયાની કવાયત હાથ ધરવામાં આવી છે.
1600 કિલોમીટરનો સાગરકાંઠો ધરાવતા ગુજરાતની પ્રજાને પીવાના પાણી પ્રશ્ને નર્મદા નીર પર આધારિત રહેવું પડે છે. આ વર્ષે એમ.પી.માં પડેલા ઓછા વરસાદ અને અણઘડ આયોજનને કારણે નર્મદા નીર માત્ર પીવા માટે જ છોડવાનું નક્કી કરાયું છે. આવી પરિસ્થિતિ અવાર નવાર સર્જાય તો રાજ્યભરમાં ખેતી, ઉદ્યોગ, પીવાના પાણીનો પ્રશ્ન વિકરાળ બને. સંભવિત સમસ્યાને ધ્યાને લઈ સરકારે નર્મદા નદીના આધાર ઉપરાંત દરિયા તરફ દ્રષ્ટિ દોડાવી છે અને જેના પરિણામે ઈઝરાયલી ટેકનોલોજીના માધ્યમથી ખારા જળને મીઠા કરી પીવાના પાણી તરીકે ઉપયોગમાં લેવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે.
રાજ્ય સરકારે જળ સંકટને કાયમી ધોરણે વિદાય આપવા દરિયાના પાણીને પીવાલાયક બનાવવા માટેનું આયોજન હાથ ધરી પાણીને ડિસેલિનેશન (અલવણીકરણ) દ્વારા મીઠું (પીવાલાયક) બનાવી ઉનાળામાં તેનો ઉપયોગ કરી શકાય કે કેમ તે અંગેના પ્રાથમિક રિપોર્ટ પણ તૈયાર કરી નાંખ્યો છે.
પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહેલાં સૌરાષ્ટ્રમાં પ્રતિદિન 1500 એમએલડી પાણીની જરૂરિયાત છે ત્યારે સરકારે પીપીપી મોડલથી માળિયા પાસે 100 એમએલડી પ્લાન્ટ નાંખવાનું આયોજન હાથ ધર્યું છે.
આ આયોજન અંતર્ગત ઈઝરાયેલી ટેકનોલોજીથી દરિયાના ખારા પાણીને પીવાલાયક બનાવવામાં આવશે. મીઠા પાણીને સરકાર વોટર પર્ચેઝ એગ્રીમેન્ટના માધ્યમથી ખરીદીને નાગરિકો સુધી પહોંચાડશે.
માળિયાનો આ પ્રયોગ સફળ થશે તો સરકાર પીપીપી મોડલથી 100 એમએલડીના 10 થી 15 પ્લાન્ટને મંજૂરી આપશે. હાલ તો માળિયામાં પ્લાન્ટ નાખવા માટે વૈશ્વિક ટેન્ડર પ્રક્રિયાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. આ પ્રોજેકટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવાનું પણ સરકાર દ્વારા આયોજન થઈ રહ્યું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer