સમાજવાદી પાર્ટીના ખમતીધર નેતા નરેશ અગ્રવાલ ભાજપમાં જોડાયા

સમાજવાદી પાર્ટીના ખમતીધર નેતા નરેશ અગ્રવાલ ભાજપમાં જોડાયા
 
અમારા પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 12 : સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા નરેશ અગ્રવાલ પોતાના પક્ષ સાથે છેડો ફાડીને આજે ભાજપમાં જોડાઈ ગયા હતા. રેલવેપ્રધાન પીયૂષ ગોયલ અને ભાજપના અન્ય નેતાઓની હાજરીમાં નરેશ અગ્રવાલે ભાજપનો હાથ પકડી લીધો હતો. ભાજપના મુખ્યાલયમાં તેમના પ્રવેશની તમામ ઔપચારિકતાઓ પૂરી કરી લેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે સમાજવાદી પાર્ટીએ નરેશ અગ્રવાલને રાજ્યસભાની ટિકિટ આપી નહોતી અને તેઓ તેનાથી નારાજ થઈ ગયા હતા અને તેમણે તેમની આ નારાજી ભાજપમાં જોડાઈને વ્યક્ત કરી હતી.
રેલવેપ્રધાન પીયૂષ ગોયલે નરેશ અગ્રવાલનું ભાજપમાં સ્વાગત કર્યું હતું. અગ્રવાલે એ વાત સ્વીકારી હતી કે વડા પ્રધાનના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના શાસનમાં નવો વિકાસ થઈ રહ્યો છે અને તે જોવા મળી રહ્યો છે. દેશના ગતિશીલ વિકાસ માટે વડા પ્રધાન મોદી અને ભાજપના પ્રમુખ અમિત શાહનું મોટું યોગદાન છે.
નરેશ અગ્રવાલે અમિત શાહ સાથે વાત કરી હતી અને ભાજપમાં સામેલ થઈને પોતે યુપીના વિકાસમાં ફાળો આપશે એમ જણાવ્યું હતું. નરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે જ્યાં સુધી રાષ્ટ્રીય પાર્ટીમાં ન રહીએ ત્યાં સુધી પૂરા રાષ્ટ્રની સેવા કરી શકાતી નથી એટલે મેં ભાજપમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે અને કોઈ પણ પૂર્વશરત વિના હું કામ કરીશ. મારો પુત્ર નીતિન અગ્રવાલ વિધાનસભ્ય છે અને તે ભાજપની સાથે રહેશે. નીતિન રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને સાથ આપશે એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer