દેશની તસવીર બદલશે સૌર ઊર્જા : મોદી

દેશની તસવીર બદલશે સૌર ઊર્જા : મોદી
 
ઉત્તર પ્રદેશમાં મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રો સાથે વડા પ્રધાને કર્યું 100 મેગાવૉટની ક્ષમતાના સોલાર પાવર પ્લાન્ટનું લોકાર્પણ
 
નવી દિલ્હી, તા. 12 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રો આજે ઉત્તરપ્રદેશની એક દિવસની મુલાકાતે પહોંચ્યા હતા. જેમાં મેક્રો અને મોદીએ મીરજાપુરમાં 100 મેગાવોટની ક્ષમતા ધરાવતા અને 155 હેક્ટરમાં ફેલાયેલા સોલાર પાવર પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સોલાર પાવર પ્લાન્ટનું નિર્માણ ફ્રાન્સની કંપની એનગીએ 500 કરોડ રૂપિયાના ખર્ચે કર્યું છે. જે પ્રતિમાસ 1.30 કરોડ યૂનિટ વિજળીનું નિર્માણ કરશે. લોકાર્પણ કાર્યક્રમ બાદ બનારસની જનસભામાં મોદીએ કહ્યું હતું કે, સૌર ઊર્જા ભારતની તસવીર બદલશે. આ કાર્યક્રમમાં મોદીએ સરકારી યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ પણ કર્યું હતું. 
આ અગાઉ સવારના સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રો લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય અરપોર્ટ ઉપર પહોંચ્યા હતા. જયાંથી વાયુસેનાના હેલીકોપ્ટરમાં મિરજાપુર માટે રવાના થયા હતા. મિરજાપુરમાં યુપીના સૌથી મોટા સોલાર પાવર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પાવર પ્લાન્ટ ફ્રાન્સની જ કંપની દ્વારા બનાવવામાં આવ્યો છે. સોલાર પાવર પ્લાન્ટના લોકાર્પણ બાદ મોદી અને મેક્રોએ વારાણાસીના હસ્તકલા સંકુલ અને અસ્સીઘાટની મુલાકાત કરી હતી. અસ્સીઘાટથી મેક્રો, તેમના પત્ની અને વડાપ્રધાન મોદીએ બિહારથી મંગાવેલા ખાસ ક્રુઝમાં 20 મિનિટ સુધી નૌકાવિહારનો આનંદ માણ્યો હતો. આ દરમિયાન મોદીએ મેક્રોને ગંગાના 12 ઘાટનું મહત્વ સમજાવ્યું હતું. નૌકાવિહાર બાદ જ્યારે બોટ દશાશ્વમેઘ ઘાટે પહોંચી ત્યારે સ્થળ ઉપર ઉપસ્થિત લોકોએ હર હર મહાદેવના નારા લગાડયા હતા. દશાશ્વમેઘ ઘાટથી મેક્રોનો કાફલો નદેસર સ્થિત તાજ હોટલમાં પહોંચ્યો હતો. જ્યાં રાજાશાહી ઢબે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું 
બીજી તરફ ડીએલડબલ્યુ ગ્રાઉન્ડમાં આયોજીત એક કાર્યક્રમમાં મોદીએ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને નવા મકાનની ચાવી ભેટ કરી હતી અને અન્ય યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોના સ્વાગત બદલ મોદીએ બનારસની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો. જનસભામાં મોદીએ કચરા મહોત્સવ, આયુષ્માન યોજના, સ્વચ્છતા અભિયાન વગેરે વિશે પણ વાત કરી હતી. આ સાથે મોદીએ સૌર ઉર્જા અંગે કહ્યું હતું કે, સૌર ઊર્જાના ઉપયોગથી સમગ્ર દેશની તસવીર બદલી જશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer