ફડણવીસ સરકારે ખેડૂતોની તમામ માગણી સ્વીકારી

ફડણવીસ સરકારે ખેડૂતોની તમામ માગણી સ્વીકારી

છ મહિનામાં અમલનું આશ્વાસન : લૉન્ગ માર્ચને અભૂતપૂર્વ સફળતા
 
અમૂલ દવે તરફથી
મુંબઈ, તા. 12 : સામાન્ય ચૂંટણીને દોઢ વર્ષથી ઓછો સમય બાકી છે ત્યારે કૉંગ્રૅસ, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ જેવા વિપક્ષો તેમ જ સહયોગી પક્ષ શિવેસનાના પ્રચંડ દબાણને વશ થઈને મહારાષ્ટ્ર સરકારે આંદોલન કરી રહેલા ખેડૂતોની તમામ માગણીઓ સ્વીકારી એવી લેખિત ખાતરી આપી હતી કે અમે છ મહિનાના સમયગાળામાં ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવશું. લેખિત ખાતરીને પગલે નાશિકથી છેક મુંબઈ સુધીનું 180 કિલોમીટર અંતર પગપાળા કાપીને આઝાદ મેદાન પહોંચનાર ખેડૂતોએ પોતાનું આંદોલન પાછું ખેંચ્યું હતું. ખેડૂતોના પ્રતિનિધિમંડળ અને સરકાર વચ્ચે ત્રણ કલાક ફળદાયી બેઠકને પગલે ખેડૂતો અને આદિવાસીઓએ વિધાનસભાને ઘેરાવ નાખવાનું આંદોલન પાછું ખેંચી લીધું હતું. વિધાન ભવનની બહાર મુખ્ય પ્રધાને કહ્યું હતું કે અમે આદિવાસીઓ અને ખેડૂતોને ખેતી માટે વનની જમીન દેવા અંગે સમિતિની રચના કરવા તૈયાર થયા છીએ. સરકાર ખેડૂતોના પ્રશ્નો અંગે સંવેદનશીલ અને સકારાત્મક છે. આમાં ભાગ લેનારા 90 ટકા ગરીબ આદિવાસીઓ છે અને તેઓ વનની જમીનના અધિકાર માટે લડી રહ્યા છે. તેઓ ભૂમિવિહોણા છે.
વિપક્ષો અને સહયોગી પક્ષ શિવસેનાએ આ મોરચાને ટેકો આપતાં સરકાર પર સંકટ ઊભું થયું હતું. ડાબેરીને સંલગ્ન ઓલ ઇન્ડિયા કિસાન સભાના નેતૃત્વ હેઠળના મોરચામાં 30,000થી વધારે કિસાનો અને આદિવાસીઓ જોડાયા હતા.
ખેડૂતોની મુખ્ય માગણી એ હતી કે સ્વામિનાથન સમિતિની ભલામણ પ્રમાણે તેમને લાગતની દોઢ ગણી રકમ મિનિમમ સપોર્ટ પ્રાઈસ તરીકે અપાય. બુલેટ ટ્રેન અને સુપર હાઈવે માટેની જમીન અભિગ્રહણનો પણ કિસાન વિરોધ કરી રહ્યા હતા.
સિંચાઈ મંત્રી ગિરિશ મહાજને ખેડૂતો સાથેની બેઠક
સકારાત્મક ગણાવતા કહ્યું હતું કે, ખેડૂતોની 12-13 માગણી હતી. જેમાંથી અમુક માગણી ઉપર લેખિત આશ્વાસન આપવામાં આવશે. આ નિર્ણયથી ખેડૂતો પણ સંતુષ્ટ છે. 
દમણગંગાનું પાણી ગુજરાતને નહીં
ખેડૂતોની એક માગણી એ હતી કે નાર-પાટ, દમણગંગા, વાઘ અને પીંજાળ નદીનું પાણી અરબી સમુદ્રમાં ન વહી જાય એ માટે રોકવું અને આ પાણી ગોદાવરીમાં વાળવું તથા આ નદીનું પાણી ગુજરાતને ન આપવું. રાજ્ય સરકારે આંદોલનકારોને એવી માહિતી આપી હતી કે આ એકીકરણનો મુસદ્દો 22 સપ્ટેમ્બર, 2017એ કેન્દ્રને આપવામાં આવ્યો છે. આ પાણી રોકવાનો પ્રકલ્પ ચોક્કસ સમયમર્યાદામાં પૂરો કરાશે.
પ્રધાનો હાજર
આંદોલન પાછું ખેંચવાની જાહેરાત આઝાદ મેદાનમાં કરાઈ ત્યારે પ્રધાનો ચંદ્રકાંત પાટીલ, ગિરીશ મહાજન અને એકનાથ શિંદે પણ હાજર હતા.
અન્ય ખેડૂતોને લાભ
2001થી 2009 સુધીના કર્જ ન ભરનારા ખાતેદારોને છત્રપતિ શિવાજી મહારાજ ખેડૂત સન્માન યોજનામાં આવરી લેવાશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer