ઉનાળાની શરૂઆત છતાં પાલિકાએઁ પાણીકાપ લાદવો નહીં પડે

મુંબઈ, તા. 13 : ઉનાળાની ગરમીની શરૂઆત થવાને લીધે પાણીનો વપરાશ અને તળાવોમાં બાષ્પીભવન વધશે. આમ છતાં આ વર્ષે ઉનાળામાં મુંબઈગરાને પાણીકાપ સહન કરવો નહીં પડે એમ મુંબઈ પાલિકા તરફથી જણાવવામાં આવ્યું છે.  મુંબઈ પાલિકાના હાઈડ્રોલીક એન્જિનિયર અશોક તવાડિયાએ જણાવ્યું હતું કે 11મી માર્ચના દિને મુંબઈને પાણી પૂરું પાડતાં તળાવોમાં 7.05 લાખ મિલિયન લિટર પાણીનો જથ્થો હતો. તે આપણી વાર્ષિક જરૂરિયાતનો 50 ટકા જેટલો છે. તે મુંબઈની આગામી છ માસની જરૂરિયાતોને સંતોષી શકે એમ છે. વર્ષ 2017માં 11મી માર્ચના દિને તળાવોમાં 5.13 લાખ મિલિયન લિટર પાણીનો જથ્થો હતો. ગત વર્ષે અૉક્ટોબર માસમાં નોંધપાત્ર પ્રમાણમાં વરસાદ પડયો હતો. તેના કારણે આ વર્ષે પાણીના જથ્થાની સ્થિતિ સારી છે. તવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે મુંબઈને દૈનિક 4200 મિલિયન લિટર પાણીની જરૂર પડે છે, પરંતુ અમે માત્ર 3750 મિલિયન લિટર પાણી પૂરું પાડી શકીએ છીએ. છેલ્લાં થોડાં સપ્તાહથી અમે 50 મિલિયન લિટર વધારે પાણી પૂરું પાડી  રહ્યાં છીએ.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer