સોના પરના વેરાઓમાં કાપ મૂકવાનો નીતિ આયોગનો પ્રસ્તાવ

મુંબઈ, તા. 13 : નીતિ આયોગની એક સમિતિએ સોના પરના વેરાઓમાં મોટો કાપ મૂકવાની સિફારિશ કરી છે અને 2022 સુધીમાં બધાં જ ઘરેલું ઉત્પાદનોમાં આ પીળી ધાતુના યોગદાનને અધિક ઉદાર દૃષ્ટિકોણથી રજૂઆત કરી છે. નીતિ આયોગના મુખ્ય સલાહકાર અને પૂર્વ કેન્દ્રીય નાણાસચિવ રતન પી. બાટલની અધ્યક્ષતાવાળી આ સમિતિને 26 ફેબ્રુઆરીની સુવર્ણનીતિ વિશે ``ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયાઝ ગોલ્ડ માર્કેટ'' નામનો પોતાનો અહેવાલ વિત્તમંત્રાલયને સુપરત કર્યો છે.  આ પેનલે સોનાના કામકાજમાંના બધા જ વેરાઓમાં મોટા કાપની ભલામણ કરી છે. જેમાં જીએસટી તેમ જ આયાત ડયૂટી પણ સમાવિષ્ટ છે. રિપોર્ટના મુજબ ગયા કેટલાક વર્ષોથી સોનાની ગેરકાયદે આયાત વર્ષે 100-150 ટન વચ્ચે થતી રહી છે અને દાણચોરોને અટકાવવા સમગ્ર કરમાળખામાં કાપ મૂકવાનું જરૂરી છે એવી રજૂઆત કરાઈ છે.  વેરાઓમાં કાપ મૂકવાના ઉપરાંત રિપોર્ટમાં સુવર્ણ સિક્કાને પ્રોત્સાહન આપવું, કાચું સોનું ધરાવનારાઓને પુરવઠા અને ડિલિવરીની ખાતરી ઉપરાંત સુવર્ણ વેપારમાં કેટલીક સમસ્યાઓ હલ કરવા સિંગલ વિન્ડો એજન્સીની જેમ જવાબદારીપૂર્ણ ગોલ્ડ બોર્ડની સ્થાપના કરવાનું વગેરે પણ રિપોર્ટમાં કેન્દ્રસ્થાને રહ્યું છે.  આમેય નાણાપ્રધાન અગાઉ જ સોનાની વ્યાપક નીતિ તૈયાર કરવા અને ગોલ્ડ સ્પોટ ઍકસ્ચેન્જની સ્થાપના કરવાની જાહેરાત કરી દીધી છે. સમિતિએ સુવર્ણ મુદ્રિકરણ યોજના (જીએમએસ)ના પુનરોદ્ધાર અને બધી બૅન્કો અને તેની શાખાઓ દ્વારા આ સેવા શરૂ કરવાનો પ્રસ્તાવ પણ કરાયો છે.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer