ડાયમંડ ઉદ્યોગ કાલે IBAને મળશે

કોલકાતા, તા. 13 : નીરવ મોદીના રૂા. 12,700 કરોડના છેતરપિંડી કૌભાંડ બાદ બૅન્કો જેમ ઍન્ડ જ્વેલરી સેક્ટરને ફાઈનાન્સ કરવાના નિયમો ચુસ્ત બનાવશે તેવી શક્યતા હોવાથી ડાયમંડ ઉદ્યોગ બુધવારે ઇન્ડિયન બૅન્કસ ઍસોસિયેશન (આઈબીએ) સાથે બેઠક યોજી રહ્યો છે. ડાયમંડ ઉદ્યોગ બૅન્કોને સમજાવવા પ્રયાસ કરશે કે તેઓ ફાઈનાન્સ મેળવવા માટે એલઓયુ (લેટર અૉફ અંડરટેકિંગ)નો માર્ગ અપનાવતા નથી અને આ ટ્રેડમાં રાઉન્ડ ટ્રિપિંગ અશકય છે.  ડાયમંડના વેપારીઓ બૅન્કિંગ લોબી ગ્રુપને વિનંતી કરશે કે આ સેક્ટરમાં ફંડનો પ્રવાહ ઘટાડવામાં ન આવે, કારણ કે તેમાં 50 લાખથી વધારે લોકો કામ કરે છે અને મૂડીપ્રવાહ અટકી જશે તો મધ્યમ અને નાનાં કદના અસંખ્ય એકમોને ફટકો લાગશે. જેમ ઍન્ડ જ્વેલરી ઍકસ્પોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી)ના વાઈસ ચૅરમૅન કોલિન શાહે જણાવ્યું કે, ``નીરવ મોદીના કેસમાં ભરપૂર ગેરરીતિઓ થઈ છે. રિઝર્વ બૅન્ક અૉફ ઈન્ડિયાની માર્ગદર્શિકા પ્રમાણે બૅન્કોએ ત્રિમાસિક અને વાર્ષિક આંતરિક અૉડિટ કરવાનું હોય છે. ત્યારબાદ બાહ્ય અૉડિટ થાય છે. આરબીઆઈએ નિયમિત સમયગાળા માટે સ્પેશિયલ અૉડિટ કરવાનું હોય છે. સ્વિફટ ટ્રાન્ઝેશન વિશે ગઘજઝછઘ અને બૅન્કના ટ્રેઝરી ડિવિઝનને જાણ થાય છે. અમને એ વાતની નવાઈ છે કે નીરવ મોદીના કેસમાં આ તમામ જગ્યાએ નિયમભંગ થયો છે. તેથી અમે આ સપ્તાહમાં આઈબીએને મળવાના છીએ અને અમારો મત રજૂ કરીશું.''   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer