કઠોળની આયાત બંધ કરવા માગ

પુણે, તા. 13 : મોટા ભાગનાં કઠોળની કિંમત લઘુતમ ટેકાના ભાવની નીચે ચાલી રહી છે ત્યારે પ્રોસેસર્સ તથા ટ્રેડર્સે સરકાર સમક્ષ માગણી કરી છે કે માર્ચના અંત સુધીમાં નિયંત્રિત આયાતો પર પણ રોક લગાવી દેવામાં આવે. ભારતે કઠોળની વાર્ષિક આયાત પર 50 લાખ ટનના ક્વોટાની મર્યાદા લાદી દીધી છે, જો તેને હટાવી દેવામાં નહીં આવે તો દેશમાં સંચાલિત થઈ ન શકે તેવા સ્ટોકમાં ઉમેરો થશે.  કઠોળના એક અગ્રણી પ્રોસેસર્સ સુરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે, અમે કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે માર્ચના અંત પહેલાં જ 50 લાખ ટન કઠોળની આયાતના ક્વોટાને રદ કરવામાં આવે. ઉદ્યોગના પ્રતિનિધિઓને સમાવતું એક જૂથ કેન્દ્રીય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રભુને સોમવારે મળ્યું હતું અને તેમને વિનંતી કરી હતી કે એપ્રિલ 2018થી શરૂઆતે વધુ 50 લાખ ટન કઠોળની આયાતની મંજૂરી આપવામાં ન આવે. હાલમાં લલણી કરવામાં આવી રહી છે તેવાં તુવેર, મગ અને ચણા જેવા મોટા ભાગનાં કઠોળની ઘરઆંગણાની કિંમત લઘુતમ ટેકાના ભાવની નીચે ચાલી રહી છે જેને પરિણામે કઠોળ પકવતા પ્રદેશોના ખેડૂતોમાં હતાશા પ્રસરી રહી છે. અૉગસ્ટ 2017માં સરકારે આયાતી તુવેર, મગ અને અડદની આયાતને નિયંત્રિત કરી હતી તથા તુવેર પર 20 લાખ ટનના ક્વોટા તથા મગ અને અડદ પર 30 લાખ ટનના ક્વોટાની મર્યાદા લાદવામાં આવી હતી.  કઠોળની નિકાસને એક દાયકા કરતાં વધારે સમયથી મંજૂરી આપવામાં આવતી નથી તેને પણ ગયા વર્ષે મુક્તિ આપવામાં આવી હતી. જોકે, આ બન્ને પ્રકારનાં પગલાં ઘરઆંગણાની કિંમતને ખાસ ટેકો આપી શકયા ન હતાં.  સરકારના અંદાજ અનુસાર ભારતે એપ્રિલ 2017થી નવેમ્બર 2017 દરમિયાન 47 લાખ ટન કઠોળની આયાત કરી હતી.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer