સોનિયાની આજની ડિનર પાર્ટીમાં મમતા-પવાર નહીં જોડાય

સોનિયાની આજની ડિનર પાર્ટીમાં મમતા-પવાર નહીં જોડાય
નવી દિલ્હી, તા. 13 : કૉંગ્રેસ અધ્યક્ષપદ રાહુલને સોંપી દીધા પછી પણ સોનિયા ગાંધી હજી પણ મોદીવિરોધી ગઠબંધન બનાવવા વિપક્ષની ધૂરી તૈયાર કરવાનો દાવ ખેલી રહ્યા છે. આ સંદર્ભમાં તેમણે આજે પોતાના ઘેર તમામ વિપક્ષ નેતાઓને ડિનર પર બોલાવ્યા છે. કૉંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયાના પ્રયાસ 2019 માટે વિપક્ષને એક જૂથ કરવાનો છે. આ માટે ડિનરથી પહેલા બેઠકમાં ભાગ લેવા 18 પક્ષના નેતા કે તેમના પ્રતિનિધિઓ શામેલ થશે, પરંતુ સમાજવાદી પક્ષના અધ્યક્ષ અખિલેશ યાદવ, બહુજન સમાજવાદી પક્ષના માયાવતી, તૃણમૂલ કૉંગ્રેસના સુપ્રીમો મમતા બેનરજી અને રાષ્ટ્રવાદીના અધ્યક્ષ શરદ પવારે તો અત્યાર સુધી તેમાં શામેલ થવા સહમતિ દાખવી નથી. જોકે, સોનિયાના મૅનેજર હજી પણ પ્રયાસમાં છે કે ઓછામાં ઓછું પવાર અને મમતા ડિનરમાં જોડાય પરંતુ તેમને હજી સફળતા મળી નથી.  પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ સોનિયાની ડિનર પાર્ટીથી દૂરી બનાવી લેતાં કૉંગ્રેસના પ્રયાસને ઝટકો લાગ્યો છે. જોકે, તૃણમૂલ કૉંગ્રેસના ડેરેક ઓ'બ્રાયન અને સુદીપ બંદોપાધ્યાય સોનિયાના રાત્રિભોજમાં ઉપસ્થિત રહેવાના છે. તૃણમૂલ કૉંગ્રેસે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી  દાર્જિલિંગ અને આસપાસના  વિસ્તારોની મુલાકાત કરવાના છે. જેથી ડિનર કાર્યક્રમમાં હાજર રહેશે નહી. મમતાના આ નિર્ણયને કૉંગ્રેસના પ્રયાસને એક ફટકો ગણવામાં આવે છે, પરંતુ તૃણમૂલ કૉંગ્રેસના ડેરેક ઓ'બ્રાયન અને સુદીપ બંદોપાધ્યાય હાજરી આપશે. એવી ચર્ચા પણ ચાલી રહી છે કે, વિપક્ષ ઉપરાંત સત્તારૂઢ ભાજપથી નારાજ પક્ષોને પણ ડિનરમાં બોલાવવામાં આવશે.  આ ડિનર ડિપ્લોમસી દ્વારા સોનિયા એક તીરથી બે નિશાન સાધવા માગે છે. વિપક્ષી નેતાઓને ડિનર પર બોલાવી તે એ સાબિત કરવા માગે છે કે મોદીના વિકલ્પ તરીકે થનારા ગઠબંધનનું નેતૃત્વ કૉંગ્રેસ પાસે જ રહેશે.  સોનિયા ગાંધીનો એક મોટો સંદેશ એ છે કે તે મમતા અને પવારના ત્રીજા મોરચાના નેતૃત્વ કરવાના પ્રયાસને મહત્ત્વ આપતી નથી. આવી સ્થિતિમાં મમતા અને પવારનું ડિનરથી દૂર રહેવું કૉંગ્રેસ માટે મુશ્કેલી ઊભું કરનારું છે. રાહુલ ગાંધીના નેતૃત્વને લઈ મમતા - પવાર જેવા નેતાઓ રાજી નથી. તેને લઈ સોનિયા 2019 સુધી ગઠબંધનની કમાન પોતાના હાથમાં રાખવા માગે છે. જોકે, મમતા - પવાર ગાજાંવાજાં કર્યા વિના વિરોધનું નેતૃત્વ કરવાની રાજનીતિ કરતા રહે છે.  આ જ વાત છે જે કૉંગ્રેસને રાસ નથી આવતી. મમતાએ  ત્રીજા મોરચાનો વિકલ્પ શોધવા માટે તેલંગનાના સીએમ કેસીઆરને ફોન કર્યો હતો. ટીડીપી અને ટીઆરએસે કૉંગ્રેસના બેકડોરથી કરવામાં આવેલા પ્રયાસો છતાં હાલ ડિનરમાં શામેલ થવાનો ઇનકાર કર્યો છે. વાત મરાઠા નેતાની કરીએ તો અનેક પ્રસંગોએ પવારે કૉંગ્રેસની, રાહુલની  ઝાટકણી કાઢવામાં કોઈ કસર છોડી નથી.  આવી સ્થિતિમાં 2019 માટે મોદી વિરોધી ગઠબંધનની તસવીર રાજકીય હિલોળા ખાતી રહેશે, પરંતુ આનાં પગલે કૉંગ્રેસ પોતાના પ્રયાસોમાં કોઈ કમી રાખવા માગતી નથી. કૉંગ્રેસને આશા છે કે રાજ્યોની આવનારી વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જ નક્કી કરશે કે તેના ઝંડા નીચે વિપક્ષો આવે છે કે નહીં.   

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer