અમદાવાદ અને સુરત મહાનગરમાં કૉંગ્રેસ હવે બે શહેર પ્રમુખની નિમણૂક કરશે

અમદાવાદ અને સુરત મહાનગરમાં કૉંગ્રેસ હવે બે શહેર પ્રમુખની નિમણૂક કરશે
અમદાવાદ, તા.15 : ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફારનો સિલસિલો છેલ્લા એક મહિનાથી ચાલી રહ્યો છે. આ અંતર્ગત હવે કોંગ્રેસ મોવડી મંડળે ગુજરાતના અમદાવાદ અને સુરત એમ બે મહાનગરોમાં 16 વિધાનસભા બેઠકોને અનુલક્ષીને કેંગ્રેસને મજબૂત બનાવવા નવો ઉપાય શોધ્યો છે. કોંગ્રેસે નિર્ણય લીધો છે કે, રાજ્યના બન્ને મહાનગરોને બે ઝોનમાં વહેંચી  બે શહેર પ્રમુખની નિમણૂંક કરવામાં આવશે.   કોંગ્રેસના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ મોવડી મંડળે રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં પૈકી અમદાવાદ અને સુરતમાં કોંગ્રેસને મજબૂત બનાવવા હવે શહેરને પૂર્વ - પશ્ચિમ એમ બે ઝોનમાં વહેંચવાનો નિર્ણય કર્યો છે  અનેં એક ઝોનમાં એક પ્રમુખ નહીં પરંતુ બે શહેર પ્રમુખ રહેશે. જે પોતાના ઝોનમાં સંગઠનને મજબૂત કરવાની કામગીરી કરશે. આ શહેર પ્રમુખને કોંગ્રેસ અલગ-અલગ કામગીરી સોંપશે. આ જ રીતે કોંગ્રેસ 8 મહાનગરમાં પોતાને મજબૂત બનાવવા માટે આંદોલનાત્મક સંગઠનાત્મક કામગીરી કરશે.   પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષી નેતા પરેશ ધાનાણી જિલ્લાનો પ્રવાસ પૂર્ણ કરી ટુંક સમયમાં મહાનગરોનો પ્રવાસ કરશે. શહેરોના સંગઠનના માળખામાં કોંગ્રેસ યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપશે તેમ જણાવાઇ રહ્યું છે. કોંગ્રેસ સુત્રો પાસેથી મળતી  માહિતી પ્રમાણે 31 મે સુધીમાં શહેરોના સંગઠનમાં ફેરફાર કરી નવી નિમણૂંક કરવામાં આવશે. શહેરના નવા પ્રમુખને હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવશે.   ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફાર કરવાનું શરૂ કર્યુ છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની બેઠકોમા ફાયદો થયો હતો., હવે 2019માં લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસે વધુ બેઠકો મેળવવાની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે. આ પહેલા પણ કોંગ્રેસે રાજ્યના સંગઠનમાં મોટા ફેરફાર કર્યા હતા, જેમાં કોંગ્રેસ દ્વારા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ તરીકે ભરતસિંહ સોલંકીને સ્થાને અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે જ્યારે ગુજરાતના પ્રભારી તરીકે અશોક ગેહલોતના સ્થાને રાજીવ સાતવને રાજ્યના નવા પ્રભારી બનાવવામાં આવ્યા છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer